બે ફિલ્મો એક દિવસે રજૂ થઇ જ શકે છે : કંગના રનૌત

બે ફિલ્મો એક દિવસે રજૂ થઇ જ શકે છે : કંગના રનૌત
અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા રજૂ થવાની છે. આ બિગ બજેટ ફિલ્મમાં કંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની ભૂમિકા ભજવે છે. જોકે, આ ફિલ્મની સાથે જ શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેના જીવન પરથી બનેલી ફિલ્મ `ઠાકરે' રજૂ થવાની છે. સામાન્ય રીતે બે બિગ બજેટ ફિલ્મ એક દિવસે રજૂ થાય ત્યારે બોક્સ ઓફિસ પર સફળતા મળવાની શકયતા ઓછી થઇ જાય છે. આથી બને ત્યાં સુધી આવી ટક્કર ટાળવામાં આવે છે. આ વિશે પૂછતાં કંગનાએ કહ્યું કે, મારી ફિલ્મ સાથે `ઠાકરે' ફિલ્મ રજૂ થવાની છે તેનું માનસિક પ્રેશર નથી. ઉપરાંત ફિલ્મની રીલિઝ આગળ કે પાછળ ઠેલવા બાબતે પણ કોઇએ અમારો સંપર્ક કર્યો નથી. મારા મતે આ બહુ મોટો ઉદ્યોગ છે અને તેમાં દરેકનો સમાવેશ સરળતાથી થાય છે.
મણિકર્ણિકામાં પ્રસૂન જોશી, વિજેન્દર જેવા લેખકો તથા શંકર, અહસાન, લોય જેવા સંગીતકારો સાથે કામ કરીને કંગના ગૌરવ અનુભવે છે. તેણે કહ્યું હતું કે, આ પહેલીવાર મેં બૉલીવૂડની ખ્યાતનામ વ્યક્તિઓ સાથે કામ કર્યું છે. આનાથી મને અલગ દૃષ્ટિકોણ મળ્યો છે તથા મારી ભાષા સમૃદ્ધિ પણ વધી છે.
Published on: Sat, 12 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer