સોનામાં સતત ચોથા સપ્તાહે સુધારો

સોનામાં સતત ચોથા સપ્તાહે સુધારો
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 11 : ડૉલરની નબળાઇને લીધે સોનાના ભાવમાં સતત ચોથા અઠવાડિયે સુધારો નોંધાયો હતો. ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ 1292 ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ રહ્યો હતો. અમેરિકાના વ્યાજદર અંગેની અનિશ્ચિતતા છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાજદર વધારા મુદ્દેની ટીકાને કારણે ડૉલરના મૂલ્યમાં ઘટાડો આવ્યો હતો. મેક્સિકોના સરહદે દીવાલો બનાવવાની પ્રક્રિયામાં ટ્રમ્પ ઢીલી નીતિ અપનાવી રહ્યા હોવાથી ટેન્શન વધી ગયું છે. ઊલટું આ મુદ્દે ટ્રમ્પ બયાનબાજી કરી રહ્યા હોવાથી રોકાણકારો ફરીથી સોના તરફ આકર્ષાયા છે.
વ્યાજદરમાં વધારો કરવા પૂર્વે તમામ આર્થિક પાસાં ચકાસવામાં આવશે, તેવાં નિવેદનો થઇ રહ્યાં છે. વળી, ફેડ હવે સાવચેતી પણ રાખશે તેવા નિર્દેશો મળી રહ્યા હોવાથી સોનાના ભાવ વધતા જાય છે. ડિસેમ્બરના મધ્યભાગથી ડૉલરના મૂલ્યમાં 2 ટકાનો ઘટાડો થઇ ગયો છે. ચાર્ટીસ્ટો સોનામાં 1300 ડૉલરનું મથાળું જોઇ રહ્યા છે. ડૉલરનું કારણ સોનાના ભાવ ઉપર પ્રભાવ પાડશે. અમેરિકા અને ચીન વચ્ચે સંબંધો હવે સુધરી રહ્યા છે એ કારણે પણ સોનાની બજારમાંથી ચિંતા હળવી થઇ ગઇ છે. આ કારણ સોનાને મંદી તરફ હવે ધકેલી શકે તેમ નથી.
ચીનનું વેપારી પ્રતિનિધિ મંડળ વોશિંગ્ટનની મુલાકાત ટૂંક સમયમાં લેવાનું છે. એમાં પણ વેપારયુદ્ધનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહેવાનો છે. 
રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા.32,875ના સ્તરે મક્કમ હતો. મુંબઇમાં સોનું રૂા. 15 વધીને રૂા. 32,230 હતું. ન્યૂ યોર્ક ચાંદી 15.66 ડૉલર હતી. સ્થાનિકમાં રૂા. 50ના ઘટાડામાં રૂા. 39,200 હતી. મુંબઇમાં રૂા. 55 ઘટી રૂા. 39,150 હતી.
Published on: Sat, 12 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer