સુરતની RKT માર્કેટમાં સિકયુરિટી મુદ્દે વેપારીઓની હડતાળ

ચોકીદારો જ ચોર નીકળતાં વેપારીઓની લડત ઉગ્ર બની
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 11 : સુરત શહેરના રિંગ રોડ બેગમવાડી વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ ટેકસ્ટાઇલ માર્કેટ (છઊંઝ)માં સિકયુરિટી સ્ટાફની મિલીભગતમાં  વેપારીઓની દુકાનોમાંથી કરવામાં આવતી ચોરી બાદ આજે વેપારીઓએ માર્કેટનો કારભાર વેપારીઓને સોંપવામાં આવે તે સહિતની માગણીઓ કરીને  આજે ત્રીજા દિવસે સમગ્ર રાધાકૃષ્ણ ટેકસ્ટાઇલ  (છઊંઝ) માર્કેટે સજજડ બંધ પાળ્યો હતો. 
રાધાકૃષ્ણ ટેક્સ્ટાઇલ માર્કેટ (છઊંઝ)માં આવેલી દુકાનોની ડુપ્લીકેટ ચાવીઓ બનાવીને સિકયુરિટી સ્ટાફની મિલીભગતમાં ચોરી કરવામાં આવતી હતી  જે અંગેની  વેપારીઓએ માર્કેટ એસોસિએશનમાં આવેલી ઓફિસમાં ફરિયાદ કરતા કાર્યવાહી  નહીં કરતા વેપારીઓએ જાતે વોચ ગોઠવીને ચોરી કરતા શખસોને પોલીસને સાથે રાખીને ઝડપી પાડયા હતા. તેના કારણે માર્કેટનો સમગ્ર કારભાર  બીલ્ડર પાસેથી લઇને વેપારીઓને સોંપવામાં આવે તેમ જ સમગ્ર સિકયુરીટીને બદલવાની માગ  સાથે આજે ત્રીજા દિવસે પણ માર્કેટે સજજડ બંધ પાળ્યો હતો. 
પોલીસની પૂછપરછમાં ઝારખંડના ગિરડીની ગેંગ સિકયોરિટી સાથેના મેળાપીપણામાં છેલ્લા છ માસથી કાપડની ચોરીનો વેપલો  કરતી હતી.  આ ટોળકી ચોરીનો માલ  શહેરના જ લિંબાયતના મોનુ અને સલમાનના ગોડાઉનમાં છુપાવતી હતી. રૂપિયા બે કરોડનો માલ વગે  કરાયો હોવાની વિગતો  પોલીસ તપાસમાં બહાર આવી હતી.  જે પૈકી પોલીસે આ ગોડાઉનમાંથી  રૂા. 94 લાખનો માલ કબજે કર્યો હતો અને આ રેકેટમાં પોલીસે બે ગુનાઓ નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આજે સલાબતપુરા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં  ચાર વેપારીઓની દુકાનમાંથી  છેલ્લા બે માસમાં કુલ રૂા. 17 લાખનો ડ્રેસ મટિરિયલ્સના ટાકાની ચોરી થઇ હોવાનો  ગુનો નોંધી પોલીસ તપાસ આદરી છે. 
અત્રે ઉલ્લેખનીય છે  કે  રાધાકૃષ્ણ ટેકસ્ટાઇલ માર્કેટ (છઊંઝ) ના વેપારીઓની છેલ્લા ત્રણ દિવસથી  માર્કેટ બંધ રહેતા વેપારીઓએ કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત માર્કેટમાં કામ કરતા  હજારો કામદારોને પોતાની રોજની આવક  જતી કરવાનો  વારો આવ્યો છે.
Published on: Sat, 12 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer