ચીની દૂતાવાસ ઉપર હુમલામાં ભારતનો હાથ : પાકનો નવો પેંતરો

ભારત અને ચીનના સંબંધોમાં કડવાશ ભેળવવા નાપાક ચાલ
 
નવીદિલ્હી, તા.11 : આતંકવાદીનાં હમદર્દ પાકિસ્તાને હવે ભારત વિરુદ્ધ એક નવી ચાલ ચાલી છે. પોતાનાં મદદગાર ચીનને ભારત વિરુદ્ધ ભડકાવવા માટે પાકે. નવો પેંતરો કર્યો છે અને દાવો કર્યો છે કે કરાચીમાં ચીનનાં વાણિજ્ય દૂતાવાસ ઉપર તાજેતરમાં થયેલા હુમલામાં ભારતનો હાથ હતો.
ભારત અને ચીન વચ્ચે વધી રહેલી નજદીકી પાક.ને પરવડે તેમ નથી અને બન્ને દેશો વચ્ચેનાં સંબંધો પાટે ચડતાં અટકે તે માટે પાકિસ્તાને આ નવો દાવ અજમાવ્યો છે. અત્રે એ પણ નોંધનીય છે કે આતંકવાદ મુદ્દે બેવડાં વલણનાં કારણે અમેરિકા પાક. ઉપર ગુસ્સે ભરાયેલું છે અને તે હવે ચીન તરફ ઝુકાવ દેખાડવા લાગ્યું છે. બીજીબાજુ સરહદે ડોકલામ જેવા પ્રકરણો છતાં પણ ભારત અને ચીનનાં સંબંધોમાં વધુ ખટાશ આવી રહી નથી.
પાક.માં પ્રસિદ્ધ થયેલા અહેવાલો અનુસાર કરાચીનાં પોલીસ વડા અમીર અહેમદ શેખે દાવો કર્યો હતો કે કરાચી સ્થિત ચીની દૂતાવાસ ઉપર હુમલાનો કારસો અફઘાનિસ્તાનમાં ઘડાયો હતો અને ભારતની ગુપ્તચર એજન્સી રો દ્વારા તેમાં મદદ પૂરી પાડવામાં આવી હતી. નોંધનીય છે કે નવેમ્બરમાં ચીની દૂતાવાસમાં કેટલાંક હથિયારધારી આતંકવાદીઓએ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer