ગુરુ સાટમના હવાલા અૉપરેટરે કર્યો ખુલાસો

અન્ડરવર્લ્ડનો હપ્તો હૉન્ગકૉન્ગથી પહોંચતો હતો સાઉથ આફ્રિકા

મુંબઈ, તા. 11 : અન્ડરવર્લ્ડ ડૉન ગુરુ સાટમનો હપ્તો હૉન્ગકૉન્ગથી સાઉથ આફ્રિકા પહોંચતો હતો. જે હવાલા અૉપરેટર કૃષ્ણકુમાર નાયર ડૉનના કહેવાથી કામ કરતો હતો તેને મુંબઈ ક્રાઇમ બ્રાંચે ગિરફતાર કર્યો છે એવી માહિતી ડીસીપી દિલીપ સાવંતે આપી હતી.
કૃષ્ણકુમાર નાયરનું નામ ત્યારે તપાસ-ટુકડી સમક્ષ આવ્યું હતું જ્યારે ગયા વર્ષે સિનિયર ઇન્સ્પેક્ટર અજય સાવંત અને સચીન કદમની ટીમે ગુરુ સાટમની ટુકડીના પાંચ સભ્યોને ઝડપી લીધા હતા. એ પાંચ આરોપીઓ પાસેથી ત્યારે બે પિસ્તોલ, પાંચ કારતૂસ અને 11 મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા હતા. પકડાયેલા એ પાંચ આરોપીઓમાં બીએમસીનો સ્વીપર ભરત સોલંકી પણ હતો. એ બધાને સેન્ટ્રલ મુંબઈના એક બીલ્ડરની હત્યાની સોપારી અપાઈ હતી.
એ બીલ્ડરે છેલ્લાં બે-ત્રણ વર્ષથી ગુરુ સાટમને હપ્તારૂપે લગભગ 50 લાખ રૂપિયા આપ્યા હતા, પણ જ્યારે સાટમની ડિમાન્ડ વધવા માંડી ત્યારે બીલ્ડરે ડિસેમ્બર 2017 બાદ તેને પૈસા આપવાનું બંધ કરી દીધું અને સાટમના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. ત્યાર બાદ ગિન્નાયેલા ગુરુ સાટમે બીલ્ડરની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. કાવતરાના એ કેસમાં બધા આરોપીઓ વિરુદ્ધ મકોકા લગાડાયો હતો. 
અૉક્ટોબર 2018માં એ કેસમાં ચાર્જશીટ પણ ફાઇલ થઈ હતી અને એમાં ગુરુ સાટમ સાથે કૃષ્ણાકુમાર નાયરને વૉન્ટેડ જાહેર કરાયો હતો.
ક્રાઇમ બ્રાંચના એક અધિકારીએ કહ્યું હતું કે ગુરુ સાટમ માટે કૃષ્ણાકુમાર નાયર મહત્ત્વનો માણસ હતો. 6 જાન્યુઆરીએ નાયરની ગિરફતારી બાદ સાટમને ભારતથી એક પણ રૂપિયો પહોંચ્યો નથી. હવાલાનો ધંધો દુબઈ, હૉન્ગકૉન્ગ, સિંગાપોર અને સાઉથ આફ્રિકામાં કોઈ પણ ડર રાખ્યા વિના ખુલ્લેઆમ ચાલે છે છતાં ગુરુ સાટમ ડાયરેક્ટ સાઉથ આફ્રિકાને બદલે હૉન્ગકૉન્ગથી જ હપ્તાનાં નાણાં મગાવતો હતો જેથી કોઈને તેના પર શંકા ન જાય.
Published on: Sat, 12 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer