એનએસઇ બોર્ડના ચૅરમૅન અશોક ચાવલાનું રાજીનામું

મુંબઈ, તા.11 : હાલના કેટલાક કાનૂની દાવપેચના પગલે નૅશનલ સ્ટૉક એક્ષચેંજ અૉફ ઇન્ડિયા (એનએસઇ)ના બૉર્ડ અૉફ ડિરેક્ટરના ચેરમેન અશોક ચાવલાએ તત્કાળ અસરથી રાજીનામું આપ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઇના અહેવાલો પ્રમાણે કૉંગ્રેસના નેતા અને કેન્દ્રના પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ તેમ જ તેમના પુત્ર કાર્તિ આરોપી છે એ ઍરસેલ-મેક્સિસ કેસમાં ચાવલા સહિતની પાંચ વ્યક્તિ વિરુદ્ધ કાનૂની રાહે કાર્યવાહીની મંજૂરી કેન્દ્ર સરકારે આપી હોવાનું સીબીઆઇએ આજે દિલ્હીની એક કોર્ટમાં જણાવ્યું હતું, તેના પગલે ચાવલાએ એનએસઇ બૉર્ડના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું છે.  સીબીઆઇએ કોર્ટમાં માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે અગાઉની સરકારના ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બૉર્ડના સચિવ અશોક ઝા, અતિરિક્ત સચિવ અશોક ચાવલા, નાણા મંત્રાલયના તત્કાલીન સહ સચિવ કુમાર સંજય કૃષ્ણ, મિનિસ્ટ્રીના ડિરેક્ટર દીપકકુમાર સિંહ તેમ જ અંડર સેક્રેટરી રામ શરણ વિરુદ્ધ ઍરસેલ મેક્સિસ કેસમાં કામ ચલાવવાની મંજૂરી આપી છે. 
Published on: Sat, 12 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer