વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ ગુજરાત આવશે

વાઇબ્રન્ટ ઉત્સવ અગાઉના દિવસે ટ્રેડ શોનું અને 18મીએ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.11: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી 18 થી 20 જાન્યુઆરી દરમિયાન   નવમી વાયબ્રન્ટ સમિટ યોજાશે. સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીના રોજ ગુજરાત આવી પહોંચશે. આ દિવસે વડાપ્રધાન મોદી ટ્રેડ શોને ખુલ્લો મુકશે તેમજ વી.એસ. હોસ્પિટલની પણ મુલાકાત લેશે. સાંજે વડાપ્રધાન રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલને પણ ખુલ્લો મુકશે. 
18 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નું ઉદ્દઘાટન કરશે. નવમી વાયબ્રન્ટ સમિટને ગુજરાત પૂરતી જ નહીં પરંતુ તેને ઇન્ટરનેશનલ દેખાવ આપવાનું નક્કી કરાયું છે, જે માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  મહત્ત્વનું છે કે, વાયબ્રન્ટ સમિટમાં 15 દેશો ભાગીદારો તરીકે જોડાયા છે. અમેરિકા ભલે સમિટમાં પાર્ટનર કન્ટ્રી નથી પણ યુએસએમાંથી વેપારી પ્રતિનિધિ મંડળો આવવાના છે. ઉપરાંત 5 દેશોના વડા, 11 થી વધુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમજ 22 થી પણ વધુ દેશોના 115 પ્રતિનિધિમંડળો ભાગ લેનાર છે.  સમિટ માટે 20 હજાર ડેલીગેટ્સએ  અને 26380 જેટલી કંપનીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, આ આંક સમિટ અગાઉના છેલ્લા સપ્તાહમાં વધશે.
રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહે આજે ગાંધીનગર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સમિટમાં વેપાર અને નિકાસને મજબૂત બનાવવા, સેવા ક્ષેત્રનો વિકાસ અને યુવા સશક્તિકરણ તેમજ એડવાન્સ ટેકનોલોજી જેવા ક્ષેત્રોને અગ્રીમતા આપવામાં આવશે. 
તા.17મીએ બપોરના 2-30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ટ્રેડ શોનું ઉદ્દઘાટન કરનાર છે તેમાં યોજાનારી બાયર સેલર મિટમાં 1000 જેટલા વેન્ડરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત 543 વેન્ડરોએ નોંધણી કરાવી છે અને 80  જેટલી મોટી કંપનીઓ પણ આમાં ભાગ લેનાર છે. આ પરિપ્રક્ષ્યમાં શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા થીમ પર યોજાઇ રહેલી બાયબ્રન્ટ સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નયા ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્ત્વનું કદમ બની રહેશે.  
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં સર્વપ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ વેલ્થ ફંડના આગેવાનો સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજશે. આ બેઠકમાં નાણાંપ્રધાન અરૂણ જેટલી સહિત રાજ્યના મુખ્યપ્રધાન પ્રધાન વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેશે. સમિટ દરમિયાન 20 કન્ટ્રી સેમિનાર અને 7 સ્ટેટ સેમિનાર યોજાશે.   બંદરો, વ્યાપાર અને નિકાસ પર વિશેષ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સિંહે સમિટની વિશેષતા જણાવતા કહ્યુ ંકે, આ સમિટ દરમિયાન દુબઇ શોપિંગ ફેસ્ટિવલની જેમ જ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું 17 થી 28 જાન્યઅુારી દરમિયાન આયોજન કરાયું છે જેનું ઉદ્દઘાટન 17 જાન્યુઆરીએ સાંજે 6 વાગ્યાની આસપાસ રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે  કરાશે. ફેસ્ટીવલમાંથી  વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી ટોકન ખરીદી પણ કરશે. 
વાયબ્રન્ટ સમિટ દરમિયાન વ્યૂહાત્મક ભાગીદારી તથા વેપાર-ઉદ્યોગમાં વિવિધ તકો વિશે વૈશ્વિક અગ્રણીઓ વિચાર- વિમર્શ કરી શકે અને ગુજરાતમાં મૂડીરોકાણ થઇ શકે તે હેતુથી 19 જાન્યુઆરીના રોજ આફ્રિકન ડે ની પણ ઉજવણી કરવામાં આવી છે. આ સેમિનારમાં ભારતીય રોકાણકારો આફ્રિકાના દેશોમાં રોકાણ કરવા માટેની તકોથી માહિતગાર થશે. ગુજરાત દ્વારા આફ્રિકન દેશોને પુરી પાડવામાં આવતી તબીબી સેવાઓ તથા મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે રહેલી તકો વિશે પણ ચર્ચા કરવામાં આવશે. હાલ ગુજરાતનો આફ્રિકન દેશો સાથે વ્યાપાર 18 બિલીયન ડોલરનો છે, જે આ સમિટના પ્રોત્સાહનથી વધશે તેવી અપેક્ષા છે.
Published on: Sat, 12 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer