મેટલ ઍન્ડ સ્ટીલ બજારના બે હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો કેસ

મેટલ ઍન્ડ સ્ટીલ બજારના બે હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો કેસ
કરચોરીના કેસમાં નાના વેપારીઓને રાહત મળશે, પરંતુ કૌભાંડીઓને નહીં 
 
મુંબઈ, તા.11 : બૉગસ બિલિંગથી કરચોરીના જૂના કેસોમાં ખોટી રીતે ફસાયેલા દક્ષિણ મુંબઈના મેટલ એન્ડ સ્ટેનલેસ સ્ટીલ બજારના વેપારીઓને રાહત આપવાનો પ્રયાસ થશે પરંતુ કૌભાંડ કરનારા મોટા માથાઓને છોડવામાં નહીં આવે, એવી સ્પષ્ટતા ઇન્કમ ટેક્સ (આઇટી) ડિપાર્ટમેન્ટ મુંબઈ, રેન્જ 19ના પ્રિન્સિપાલ કમિશનર રાકેશ ભાસ્કરે આ કૌભાંડમાં ફસાયેલા વેપારીઓ સમક્ષ આજે કરી હતી. 
નાણાકીય વર્ષ 2010-11 અને 2011-12માં દક્ષિણ મુંબઈની મેટલ એન્ડ સ્ટેનલેસ સ્ટીલ બજારમાં લગભગ બે હજાર કરોડ રૂપિયાનું બૉગસ બિલિંગ અને હવાલા કૌભાંડનો ભાંડાફોડ થયો હતો. આ કૌભાંડના સેંકડો કેસો ઇન્કમ ટેક્સ વિભાગ તેમ જ સંબંધિત કોર્ટમાં ચાલી રહ્યા છે. આઇટી ઍક્ટ,1961ની કલમ નંબર યુ/એસ 267સી(1) અંતર્ગત તાજેતરમાં સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટના અહેવાલના આધારે આઇટી વિભાગે મેટલ એન્ડ સ્ટીલ માર્કેટના સેંકડો વેપારીઓને નોટિસો ફટકારી છે. આ સંબંધી માર્ગદર્શન માટે મેટલ એન્ડ સ્ટેનલેસ સ્ટીલ મર્ચંટ્સ અસોસિયેશન (માસ્મા) તરફથી આઇટીના પ્રિન્સિપાલ કમિશનર રાકેશ ભાસ્કર તેમ જ અસેસમેન્ટ અધિકારીઓને નિમંત્રવામાં આવ્યા હતા.
ભાસ્કરે કહ્યું હતું કે આવા કેસોમાં સેટલમેન્ટ માટે કમ્પાઉન્ડિંગ સ્કીમ છે જેમાં કરચોરીની રકમ અને તેના પર માસિક ત્રણ ટકાનું વ્યાજ દંડ પેટે ભરીને છુટકારો મળી શકે. પરંતુ આ સ્કીમ એક વર્ષ માટે કામ આવી શકે. દર વર્ષે બૉગસ બિલિંગ હોય તો એ ગુનો જ કહેવાય. આમ છતાં નાના અને નિર્દોષ વેપારીઓને રાહત આપવાનો સરકારનો અને અમારા વિભાગનો પૂરો પ્રયાસ છે. પરંતુ વેપારીઓએ પેટમાં દુખતું હોય ત્યારે માથું ન કૂટવું જોઇએ. જે ભૂલ કે ગુનો થયો હોય તેની કબૂલાત કરીને કોર્ટની કડાકૂટમાંથી છૂટી શકાય છે. આવા કેસોમાં કરચોરીની રકમ જેટલી (100 ટકા) બીજી રકમ ભરીને કેસ સેટલ થઇ શકે છે. 
માસ્માના અધ્યક્ષ અને યુવા વેપારી અગ્રણી પૃથ્વી જૈને જણાવ્યું હતું કે વેપારીઓ ઇમાનદારીથી ટેક્સ ભરવા માગે છે, અમારી બજારના કેટલાય નિર્દોષ વેપારીઓ વર્ષોથી આ કેસમાં ફસાયેલા છે. હાલમાં આ વેપારીઓ પોતાનો વ્યવસાય સંભાળવા સાથે જ કોર્ટ અને વકીલોના તેમ જ સીએના ચક્કરોમાં ફસાયેલા છે. એ સમયે સીપી ટેંક વિસ્તારની અમારી માર્કેટમાં ત્રણ માળની બિલ્ડિંગો હતી છતાં આવી બિલ્ડિંગોના ચોથા અને પાંચમા માળના ખોટા એડ્રેસ પર કેટલીય બૉગસ કંપનીઓ ખૂલી હતી. કેટલીક મોટી સ્ટીલ કંપનીઓ તેમ જ આવી બૉગસ કંપનીઓએ કેટલાય નિર્દોષ વેપારીઓને સેલ્સ-પરચેઝના આ ચક્કરમાં ફસાવેલા છે.
ભાસ્કરે જણાવ્યું હતું કે તમામ કેસોની વિગતો વેગળી હોય છે, જેમની સામે કેસ આગળ વધેલા હશે તેમાં મદદની બહુ અપેક્ષા ન રાખવી કેમ કે અમારી પણ મર્યાદા હોય છે. પરંતુ જેમના કેસ હજુ નોટિસના તબક્કે છે અને ખોટી રીતે ફસાયેલા છે તેમને રાહત આપવાની અમારી તૈયારી છે. માર્કેટના તમામ વેપારીઓના કેસ પર હું વ્યક્તિગત ધ્યાન આપીશ. મારા વિભાગના અસેસમેન્ટ અને અૉડિટ વિભાગના સાથી અધિકારીઓને સંબંધિત સૂચના આપીને નાના વેપારીઓને રાહત આપવાનો પ્રયાસ કરીશ પરંતુ કૌભાંડ આચરનારા મોટા માથાંઓને છોડવામાં નહીં આવે. 
ભાસ્કરે કહ્યું હતું કે જો તમને આ કૌભાંડીઓ વિશે કોઇ સૂચના અને સંબંધિત પુરાવા હોય અને ખાસ તો હિંમત હોય તો મને આપો હું તત્કાળ તેમની સામે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) પણ નોંધાવીશ. તેમણે વેપારીઓને સલાહ આપી હતી કે હવે જીએસટી આવ્યા બાદ તમારા જૂના કેસોની વહેલાસર પતાવટ કરો એ તમારા હિતમાં રહેશે. ઇમાનદારીથી વ્યવસાય અને ટેકસ ચૂકવનારાઓને ક્યારેય તકલીફ નહીં પડે, બાકી ચોરી-ચકારી પકડવા માટે સરકાર અને અમારી પાસે મોટી યંત્રણા છે. 
Published on: Sat, 12 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer