જયંતી ભાનુશાલીના હત્યારાની ઓળખ થઈ, સીસીટીવી કૅમેરામાં થયો કેદ

જયંતી ભાનુશાલીના હત્યારાની ઓળખ થઈ, સીસીટીવી કૅમેરામાં થયો કેદ
મુંબઈ-પુણેના શાર્પશૂટરને પોલીસ શોધી રહી છે 
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ/મુંબઈ, તા.11 : ભાજપના ભૂતપૂર્વ ઉપપ્રમુખ અને કચ્છ-અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની હત્યાના પાંચમા દિવસે ગુજરાત પોલીસે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ભાનુશાલીને ગોળી મારનાર બન્ને હત્યારાઓને ઓળખી કાઢ્યા હોવાનું અત્યંત ટોચનાં સૂત્રોઁએ જણાવ્યું છે. હત્યાની ઘટના બાદ તેઓ એક બૅગ લઈને ટ્રેનમાંથી ભાગી ગયા હતા અને ત્યાર બાદ એક સ્થળે સીસીટીવી કૅમેરામાં તેઓ કેદ થઈ જતાં તેમની ઓળખ થઈ ગઈ છે. આ કેસનું પગેરું મુંબઈ-પુણે સુધી પહોંચ્યું છે. બે શાર્પશૂટર સહિત ચાર વ્યક્તિઓએ ટ્રેનમાં ઘૂસીને જયંતી ભાનુશાલીની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. આ કેસ પુણેના ભાઉ શર્મા નામના શાર્પશૂટરનું નામ સામે આવ્યું છે, એટલું જ નહીં, હત્યામાં બે હથિયારનો ઉપયોગ થયો હોવાનું ખૂલ્યું છે. આ હત્યાકેસમાં એક મહિલાની પણ સંડોવણી હોવાનું સમજાય છે. આ હત્યારાઓને ઝડપી લેવા માટે રાતોરાત અનેક ટીમોને વિવિધ સ્થળે રવાના કરવામાં આવી છે. પોલીસનો દાવો છે કે આ હત્યારાઓને એકાદ-બે દિવસમાં જ ઝડપી  લઈ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
જયંતી ભાનુશાલીની ટ્રેનમાં હત્યા થયા બાદ તેમના પરિવારે કચ્છ ભાજપના નેતા છબિલ પટેલ, ભાનુશાલીની ભૂતપૂર્વ મહિલામિત્ર મનીષા અને એક પત્રકાર સહિત કુલ પાંચ વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લેતાં ડીજીપી શિવાનંદ ઝાએ આ મામલે ખાસ તપાસદળની રચના કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સીઆઇડી ક્રાઇમ અને ગુજરાત એટીએસ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવેલી તપાસમાં એક પછી એક શંકાસ્પદ લોકોનાં નામ આવી રહ્યાં છે. 
જયંતી ભાનુશાલીની હત્યાના 7 દિવસ પહેલાંથી અસંખ્ય સ્થળનાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ લેવામાં આવી રહ્યાં હતાં. એ ઉપરાંત હત્યાની ઘટના પહેલાં અને ત્યાર બાદનાં પણ ફુટેજ ચકાસવામાં આવી રહ્યાં હતાં. આ દરમિયાન પોલીસને મહત્ત્વપૂર્ણ માહિતી મળી છે. 3 જાન્યુઆરીએ કેટલાક અજાણ્યા માણસો સાથે ભુજ આવેલી મનીષા એકાએક રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ છે. આ માણસો કોણ હતા અને શું કામ આવ્યા હતા એની જાણકારી મળતી નથી, પરંતુ હત્યાના બે દિવસ પહેલાં મનીષા પોતાનો મોબાઇલ ફોન સ્વિચ્ડ-અૉફ કરીને ગાયબ થઈ જવાને પોલીસ સૂચક માની રહી છે. મનીષાનો ફોન બંધ થઈ જતાં પોલીસ તેનો સંપર્ક કરી શકતી નથી. જોકે આમ છતાં મનીષાને શોધી કાઢવા માટે સંખ્યાબંધ ટીમો કામે લાગી છે, પણ મનીષા હજી સુધી મળી નથી. 
પોલીસ માની રહી છે કે 3 જાન્યુઆરીએ મનીષા ભુજ આવી ત્યારે તેની સાથે આવેલા અજાણ્યા માણસો જ શૂટર હતા. ટ્રેનમાં ગોળી ચલાવનાર કોણ હતા એની શોધખોળ દરમિયાન પોલીસને એક સીસીટીવી કૅમેરાનું ફુટેજ મળ્યું છે જેમાં આ શૂટરો જોવા મળે છે. તેમના હાથમાં એક બૅગ છે અને એ બૅગ તેઓ ભાનુશાલીની સમજીને લઈને ભાગ્યા હતા. ખરેખર એ બૅગ ભાનુશાલીની સામે બેઠેલા પ્રવાસી પવન મૌર્યની હતી. અધિકારીનો દાવો છે કે અમારી સામે હવે શૂટરના ચહેરા આવી ગયા છે. તેઓ કોણ છે તેમને ઓળખી પણ લીધા છે. ટૂંક સમયમાં આખો કેસ સ્પષ્ટ થઈ જશે. 
શૂટરો હત્યા બાદ ભાનુશાલીનો એક ફોન લઈ ગયા છે અને ભાનુશાલીની બૅગ સમજીને સહપ્રવાસીની બૅગ લઈ ગયા છે. એનો અર્થ સ્પષ્ટ છે કે જયંતી ભાનુશાલી પાસે એવી કોઈ મહત્ત્વની બાબત હતી જેના આધારે તેઓ કોઈકને બ્લૅકમેઇલ કરી શકે એવા પુરાવા તેમની બૅગમાં અથવા તેમના ફોનમાં હશે એવું હત્યારા જાણતા અને માનતા હતા. એને કારણે તેઓ ફોન અને બૅગ લઈ ગયા છે.
પોલીસનો દાવો છે કે આ હત્યાને અંજામ આપવામાં જયંતી ભાનુશાલીની કોઈક નજીકની વ્યક્તિએ પણ માહિતી આપવામાં મદદ કરી હશે. જયંતી ભાનુશાલી કઈ તારીખે અને કેવી રીતે મુસાફરી કરવાના છે એ માહિતી હત્યારા સુધી પહોંચી કઈ રીતે? એ ઉપરાંત તેઓ કયા કોચમાં કઈ સીટ પર બેઠા છે એની ચોક્કસ માહિતી પણ ભાનુશાલીની નજીકની કોઈક વ્યક્તિએ જ પૂરી પાડી હોવી જોઈએ એવું પોલીસ માની રહી છે. 
આ હત્યાકેસમાં મુંબઈ-પુણેના શાર્પશૂટરની સંડોવણી સામે આવતાં ગુજરાત પોલીસે તપાસ મુંબઈ-પુણે સુધી લંબાવી છે. હત્યાકેસમાં બન્ને શાર્પશૂટર પ્રોફેશનલ હોવાનું જાણવા મળે છે. હત્યારાઓએ કુલ પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો જેમાંથી બે ગોળી જયંતી ભાનુશાલીને વાગી હતી, જ્યારે બે મિસ્ફાયર થયા હતા અને એક રાઉન્ડ ફાયરિંગ મિસ થયું હતું. આજે ફરીથી ભાનુશાળી જે કોચમાં મુસાફરી કરતા હતા એનું રિકન્સ્ટ્ર્ક્શન પોલીસ કરશે. જોકે આગામી ટૂંક સમયમાં સમગ્ર હત્યાકાંડ સ્પષ્ટ થઈ જશે એવું પોલીસનું કહેવું છે.
દરમિયાન આ કેસમાં તપાસ કરી રહેલી પોલીસે કચ્છના મોટા કારોબારી જયંતી ઠક્કર અને તેમના ભાગીદાર સિદ્દીકી જુનેજાની પૂછપરછ હાથ ધરતાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. મહત્ત્વનું છે કે જયંતી ભાનુશાલી હત્યાકેસમાં જયંતી ઠક્કર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે એથી ઠક્કરને  ભાનુશાલીના આર્થિક વ્યવહારો વિશે પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં અન્ય જેની પૂછપરછ કરવામાં આવી છે એ મોહમ્મદ સિદ્દીકી ભુજ શહેર ભાજપના ભૂતપૂર્વ મહામંત્રી છે.
Published on: Sat, 12 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer