પત્રકાર હત્યાકાંડ : ડેરા પ્રમુખ દોષી જાહેર

પત્રકાર હત્યાકાંડ : ડેરા પ્રમુખ દોષી જાહેર
વિશેષ સીબીઆઈ અદાલત દ્વારા 16 વર્ષ જૂના કેસનો ચુકાદો : 17 જાન્યુઆરીએ જાહેર થશે સજા
 
પંચકુલા, તા. 11 : હરિયાણાના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને અદાલતે દોષી જાહેર કર્યા છે. પંચકુલાની વિશેષ સીબીઆઈ અદાલતના જજ જગદીપસિંહે 16 વર્ષ જૂના હત્યાકેસમાં રામ રહીમ સહિત ચાર આરોપીને આજે દોષી ઠેરવ્યા હતા. અદાલત દ્વારા દોષી ઠેરવાયેલા રામ રહીમ અને અન્યોને 17મી જાન્યુઆરીએ સજાનું એલાન કરવામાં આવશે.
સુનાવણીથી અગાઉ પંચકુલામાં સીબીઆઈની વિશેષ અદાલતનો સુરક્ષા પહેરો વધારી દેવામાં આવ્યો હતો. જાતીય શોષણ કેસમાં રામ રહીમને સજા બાદ ગયા વખતે થયેલી હિંસાને ધ્યાને લેતાં તંત્ર તરફથી સુરક્ષાની સજ્જડ વ્યવસ્થા કરવામાં આવી હતી. રામ રહીમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રામ રહીમ હાલમાં રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. સુનાવણી દરમ્યાન મીડિયાને અદાલતથી બહાર રાખવામાં આવી હતી. વિશેષ કોર્ટે રામ રહીમ ઉપરાંત આ મામલામાં અન્ય ત્રણ આરોપીને પણ દોષી માન્યા હતા.
પંચકુલામાં સીબીઆઈ વિશેષ અદાલતની સુરક્ષા વ્યવસ્થા અંગે જાણકારી આપતાં ડીસીપી કમલદીપ ગોયલે કહ્યું કે, મોટી સંખ્યામાં પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યાં હતાં. કોર્ટ પરિસરમાં પ00ની સંખ્યામાં પોલીસ દળ ખડકવામાં આવ્યું હતું.
રામ રહીમથી જોડાયેલા આજના ચુકાદાને કારણે પંજાબ અને હરિયાણામાં ભારે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. કોર્ટે રામ રહીમને 11 જાન્યુઆરીએ પ્રત્યક્ષ હાજર રહેવા કહ્યું હતું, પરંતુ હરિયાણા સરકારે અતીતના અનુભવોને ધ્યાને રાખીને તેને વીડિયો કોન્ફરન્સિંગથી રજૂ કરવા અપીલ કરી હતી, જેને અદાલતે માન્ય રાખી હતી.
ઉલ્લેખનીય છે કે પત્રકાર છત્રપતિ હત્યાકાંડ આશરે 16 વર્ષ જૂનો છે અને ડેરા પ્રમુખ તેમાં મુખ્ય આરોપી છે. વર્ષ 2002માં પત્રકાર છત્રપતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. છત્રપતિ પોતાના સમાચારપત્રમાં ડેરાથી જોડાયેલા સમાચારો પ્રકાશિત કરતા હતા. પત્રકારના પરિજનોએ મામલો દર્જ કરાવ્યો હતો અને બાદમાં તેને સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઈએ વર્ષ 2007માં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં રામ રહીમને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપી માનવામાં આવ્યો હતો.
Published on: Sat, 12 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer