રાજ્ય સરકાર કે ટોચના નેતાઓની કોઈ જ ભૂમિકા નહોતી

રાજ્ય સરકાર કે ટોચના નેતાઓની કોઈ જ ભૂમિકા નહોતી
ગુજરાત પોલીસનાં એન્કાઉન્ટરોમાં જસ્ટિસ બેદી તપાસ કમિટીનું તારણ 
 
નવી દિલ્હી, તા. 11 : વર્ષ 2002થી 2006 સુધીનાં ચાર વર્ષમાં ગુજરાત પોલીસના એન્કાઉન્ટરોના કેસમાં તત્કાલીન રાજ્ય સરકાર કે હાઈ પ્રોફાઇલ નેતાઓની ભૂમિકા હોવાના કોઈ પુરાવા નથી એવો અહેવાલ આ એન્કાઉન્ટર કેસોની તપાસ માટે સુપ્રીમ કોર્ટે નીમેલા જસ્ટિસ એચ. એસ. બેદી કમિટીએ આપ્યો છે.  આ સમયગાળાના 17 એન્કાઉન્ટરમાં માર્યા ગયેલાઓના કેસોની તપાસ કરાઈ હતી જેમાંથી ત્રણ એન્કાઉન્ટર બનાવટી હોવાનું આ કમિટીનાં તારણોથી માહિતગાર લોકોનું કહેવું છે. આ ત્રણ ફેક એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓની તપાસની ભલામણ પણ અહેવાલમાં કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. 
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટ સમક્ષ રાખવામાં આવેલા જસ્ટિસ બેદી કમિટીના અહેવાલમાં એવું જણાવાયું છે કે સમીર ખાન, હાજી ઇસ્માઇલ અને કાસીમ જાફર હુસેન નામની વ્યક્તિ મારી ગઈ હતી એ ત્રણ પોલીસ-એન્કાઉન્ટરો બનાવટી હોવાનું લાગી રહ્યું છે. અહેવાલમાં આ ત્રણ એન્કાઉન્ટર કેસોની તપાસની ભલામણ પણ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અગાઉ જાણીતા ગીતકાર જાવેદ અખ્તર સહિતના કેટલાક લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને જસ્ટિસ બેદી કમિટીનો અહેવાલ માગ્યો હતો. એની સામે ગુજરાત સરકારે આ કમિટીનાં તારણો વિશ્વસનીય અને ગુપ્ત રાખવાની દલીલો કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલોને નકારી કાઢીને બુધવારે આ અહેવાલ અરજીકર્તાઓને સુપરત કરવાનો આદેશ કર્યો હતો.
Published on: Sat, 12 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer