ભાજપને 275થી વધુ બેઠકો જિતાડવા અમિત શાહનું આહ્વાન

ભાજપને 275થી વધુ બેઠકો જિતાડવા અમિત શાહનું આહ્વાન
દિલ્હીમાં ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ
 
``સોનિયા-રાહુલ હાલ જામીન પર છૂટેલાં છે''
 
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 11 : દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં આજે ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના ઉદ્ઘાટન સત્રમાં પક્ષપ્રમુખ અમિત શાહે લોકસભાની ચૂંટણીનો શંખનાદ કરીને `અબ કી બાર ફિર સે મોદી સરકાર'ના નારા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને 275થી વધારે અને સમગ્ર એનડીએને 325થી વધારે બેઠકો જીતવાના લક્ષને પ્રાપ્ત કરવા કાર્યકરોને આહ્વાન કર્યું હતું.
રાષ્ટ્રીય અધિવેશનમાં ધ્વજારોહણ અને દીપ પ્રાગટય બાદ ઉદ્ઘાટન પ્રવચનમાં અટલ બિહારી વાજપેયીને યાદ કરતાં 2019ની લોકસભાની ચૂંટણીમાં ફરીથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએની સરકાર રચવાનો અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રીય અધિવેશનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ફૂલોની આકર્ષક માળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંચ પર મોદી ઉપરાંત વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ડૉ. મુરલી મનોહર જોશી સહિત તમામ ભૂતપૂર્વ પક્ષપ્રમુખો અને રાષ્ટ્રીય પદાધિકારીઓ મોજૂદ હતા.
અમિત શાહે મોદી સરકારની લોકોપયોગી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જનધન યોજના, બેટી બચાવો, બેટી પઢાઓ યોજના, પ્રધાનમંત્રી કૃષિ ફસલ બિમા યોજના, ઉજ્જવલા ગૅસ યોજના, આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના, વગેરેથી આમજનતાના જીવનમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે અને તેનું સારું પરિણામ જોવા મળી રહ્યું છે.
તેમણે કૉંગ્રેસ પર જોરદાર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપ ઇચ્છે છે કે, અયોધ્યામાં રામમંદિર બનવું જોઈએ અને તેમાં કોઈ સમસ્યા નથી. સર્વોચ્ચ અદાલત આ કેસમાં જલદીથી સુનાવણી કરે એવું અમે ઇચ્છી રહ્યા છીએ, પરંતુ કૉંગ્રેસ એમાં અવરોધ ઊભા કરી રહી છે.
ભાજપપ્રમુખે જણાવ્યું હતું કે, મોદી સરકાર પર ભ્રષ્ટાચાર કે અન્ય કોઈ આરોપ કે કલંક નથી, પરંતુ કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી હાલ કરોડોની જામીન પર મુક્ત થયેલાં છે અને ઊલટાં મોદી સરકાર સામે આક્ષેપો કરી રહ્યાં છે.
તેમણે વિરોધ પક્ષોના મહાગઠબંધનને બેઅસર અને માત્ર મોદી હટાવ માટે બનાવવામાં આવ્યું હોવાનું કહ્યું હતું. મિશેલના પ્રત્યાપર્ણથી કૉંગ્રેસનું નેતૃત્વ બેચેન થઈ ગયું છે અને તેમને પસીનો છૂટી રહ્યો છે એમ શાહે વધુમાં જણાવ્યું હતું.
Published on: Sat, 12 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer