રૂા. 1500ની સાડી પડી રૂા. 37,999માં

રિફંડ મેળવવા એટીએમની વિગતો આપવી ભારે પડી
મુંબઈ, તા. 12 : ઓનલાઈન ખરીદેલી સાડી પરત કરવા માટે વરલી-કોલીવાડાની ગૃહિણી સાથે ઠગાઈ કરીને 37,999 રૂપિયા ખંખેરી લેનાર આરોપીને પકડવા દાદર પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
વરલી કોલીવાડામાં રહેતી મમતા ઉમાનાથ શેટ્ટી (43) નામની મહિલાએ `ક્રેઝી ઍન્ડ ડિમાન્ડ' વેબસાઈટ ઉપરથી ઓનલાઈન સાડી ખરીદી હતી. તે માટે 1500 રૂપિયા ચૂકવ્યા હતા. સાડી નહીં ગમતાં તેણે તે પરત કરવાનું નક્કી કર્યું હતું.
 તે માટે તેણે ગૂગલ પરથી સંબંધિત વેબસાઈટનો ગ્રાહક સેવા ક્રમાંક મેળવ્યો હતો. તે સમયે ગ્રાહક સેવા પ્રતિનિધિએ સાડીનાં નાણાં પરત કરવા માટે એટીએમ કાર્ડ ઉપરના છેલ્લા છ આંકડા જણાવવાનું કહ્યું હતું. પ્રારંભમાં તેણે તે માટે ઇનકાર કર્યો હતો. જોકે તે આંકડા જણાવે નહીં તો રિફંડ નહીં મળે એમ કહેવાયું હતું. તેથી શેટ્ટીએ તે આંકડા જણાવ્યા હતાં. આમ છતાં રિફંડ ખાતામાં જમા કરી શકાતું નથી એમ કહીને શેટ્ટી પાસે એટીએમ ક્રમાંકની વિગતો માગવામાં આવી હતી. તે શેટ્ટીએ આપી હતી.
તેમનાં બૅન્કના ખાતાં ઉપર યુપીઆઇ ક્રમાંક ચાલુ થયાનો સંદેશ દેખાતાં તેમને આંચકો લાગ્યો હતો. તેમના બૅન્કના ખાતામાંથી 30,999 રૂપિયા અને તેમના પુત્રના ખાતામાંથી 7000 રૂપિયા લેવાયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ 1500 રૂપિયાની સાડી તેમને ઠગાઈને લીધે 37,999 રૂપિયામાં પડી હોય એવી સ્થિતિ ઊભી થઈ હતી.

Published on: Sat, 12 Jan 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer