સરકારી નોકરની ભ્રષ્ટાચારથી મેળવેલી સંપત્તિ જપ્ત કરાશે

મહારાષ્ટ્ર સરકાર દ્વારા બહાર પડાશે વટહુકમ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : સરકારી કર્મચારી અને અધિકારી ભ્રષ્ટ રીતરસમોથી નાણાં અને સંપત્તિ મેળવતા હોય છે. એન્ટિ કરપ્શન બ્યૂરોની કાર્યવાહીમાંથી છૂટીને ફરી તે સંપત્તિનો ઉપભોગ કરે છે. જોકે હવે મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર ભ્રષ્ટ લોકસેવકોએ ભ્રષ્ટાચાર વડે કમાયેલી સંપત્તિ જપ્ત કરવાનો કાયદો ઘડશે. જોકે ભ્રષ્ટાચાર ઉપર તાકીદે અંકુશ મેળવવા માટે વટહુકમ બહાર પાડવામાં આવે એવી સંભાવના છે.
મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગેનો વટહુકમ ટૂંક સમયમાં જ બહાર પડાશે. એન્ટિ કરપ્શન બ્યૂરોની તપાસમાં સરકારી નોકરની સંપત્તિ અયોગ્ય રીતે કમાયેલી હોવાનું પુરવાર થાય તો તે જપ્ત કરવામાં આવશે. ગત વર્ષે તે અંગેનો સરકારી આદેશ બહાર પાડવાનું નક્કી થયું હતું. તે કાયદાનો મુસદ્દો તૈયાર છે, તેનો અમલ ટૂંક સમયમાં શરૂ કરવાની સક્રિય વિચારણા ચાલુ છે. તે અનુસાર બધા અધિકારીઓએ હવે તેમની પાસેની સંપત્તિનો ખુલાસો કરવો પડશે. આ સૂચિત કાયદામાં જે સરકારી નોકરો પાસે આવકના સાત સ્રોતો કરતાં વધારે 50 ટકા અથવા રૂા. દસ લાખ કરતાં વધારે સંપત્તિ મળે તો તેનાં નાણાં અને સ્થાવર મિલકત સરકારી તિજોરીમાં જમા કરાશે. આરોપી નિર્દોષ પુરવાર થાય તો સરકારે જપ્ત કરેલી બધી સંપત્તિ અને સ્થાવર મિલકત પરત કરાશે. સંપત્તિ પરત કરી શકાય એમ ન હોય તો તેના બદલામાં નાણાં આપવામાં આવશે. દોષિત સરકારી નોકર જપ્ત કરાયેલી મિલકતની બજારકિંમત જેટલી રકમ અદાલતમાં જમા કરાવવા તૈયાર હોય તો તેની સંપત્તિ ઉપર ટાંચ મારવામાં નહીં આવે. આ પ્રકારનાં પ્રકરણોની સુનાવણી માટે વિશેષ અદાલતો સ્થાપવામાં આવશે.

Published on: Sat, 12 Jan 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer