કર્મચારીઓની બધી માગણી સ્વીકારવામાં આવે તો `બેસ્ટ''નો પગારનો ખર્ચ 33 ટકા વધશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : `બેસ્ટ' ઉપક્રમના હડતાળિયા કર્મચારીઓની માગણીઓ સ્વીકારવામાં આવે તો વેતન પાછળનો ખર્ચ 33 ટકા વધશે.
`બેસ્ટ'ના કર્મચારીઓની હડતાળનો આજે પાંચમો દિવસ છે. `બેસ્ટ'ની બસોની સંખ્યા 3337 છે. તેના કર્મચારીઓની સંખ્યા 39,000 છે. તે દર મહિને પગાર પેટે કર્મચારીઓને 135 કરોડ રૂપિયા અને વર્ષે 1620 કરોડ રૂપિયા ચૂકવે છે.
`બેસ્ટ' કામગાર સંયુક્ત કૃતિ સમિતિ વરિષ્ઠ કર્મચારીઓના વેતનમાં વધારો માગે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે `બેસ્ટ'ના કર્મચારીઓની બધી માગણીઓ સ્વીકારવામાં આવે તો વાર્ષિક પગારના ખર્ચમાં 540 કરોડ રૂપિયા જેટલો વધારો થશે.
તેથી વિપરીત `બેસ્ટ'ના વાહનવ્યવહાર વિભાગની માસિક સરેરાશ આવક 80 કરોડ રૂપિયા છે. `બેસ્ટ' ડીઝલની ખરીદી પાછળ દર મહિને 22 કરોડ રૂપિયા ખર્ચે છે. વાહનવ્યવહાર વિભાગ દર મહિને સરેરાશ 77 કરોડ રૂપિયાની ખાધ સહન કરે છે.
કામદાર સંગઠનો માગણી કરી રહ્યાં છે કે ભારતની સૌથી શ્રીમંત મુંબઈ પાલિકા `બેસ્ટ'ની ખાધનો બોજવહન કરે.
મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે `બેસ્ટ'ની હડતાળને ખતમ કરવા સક્રિય ભૂમિકા ભજવવાની શરૂઆત કરી છે. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ દિનેશ જૈનના વડપણ હેઠળની સનદી અધિકારીઓની સમિતિ આજે કામદાર સંગઠનો સાથે બેઠક યોજશે.

Published on: Sat, 12 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer