શિવસેના સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા શરૂ કરવા ભાજપ ઈચ્છુક

શિવસેના સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા શરૂ કરવા ભાજપ ઈચ્છુક
મુંબઈ, તા. 12 : લોકસભાની ચૂંટણીને આડે હવે માંડ ત્રણ માસ જેટલો સમય શેષ છે ત્યારે ભાજપે તેના સાથી પક્ષ શિવસેના સાથે સમજૂતી કરવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે સાથે આ દિશામાં વાતચીત શરૂ કરી હોવાનું મનાય છે.
ભાજપે આઠ લેનના મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વેને શિવસેનાના સ્થાપક પ્રમુખ બાળ ઠાકરેનું નામ આપવાનું ગાજર દેખાડયું છે. તે એક્સપ્રેસ વેના કામનું ભૂમિપૂજન આવતી 23મી જાન્યુઆરીએ થવાનું છે. તે સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે એક મંચ ઉપર એકઠા થવાના છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના મહારાષ્ટ્ર એકમના વડા જયંત પાટીલે દાવો કર્યો હતો કે ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે પાંચ તારક હૉટલમાં ગુપ્ત બેઠક યોજાઈ હતી. જોકે તે વિશે ભાજપે ટિપ્પણ કરવાનું ટાળ્યું હતું. ઉપરાંત બે દિવસ પહેલાં ફડણવીસ મારતે વિમાને દિલ્હી જઈ વડા પ્રધાન મોદી અને પક્ષપ્રમુખ અમિત શાહને મધરાતે મળ્યા ત્યાર પછી બંને પક્ષો વચ્ચે યુતિ થવાની અટકળોએ વેગ પકડયો હતો.
ભાજપની કારોબારી સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી ગયેલા ફડણવીસે પત્રકારોને જણાવ્યું હતું કે હું `બેસ્ટ'ની હડતાળ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે સંપર્કમાં છું. જોકે રાજકીય સમીક્ષકો માને છે કે બંને વચ્ચે `બેસ્ટ'ની હડતાળ ઉપરાંત બંને પક્ષો વચ્ચે ચૂંટણી સમજૂતી વિશે પણ વાત થતી હોવી જોઈએ. જો બંને પક્ષો ચૂંટણી સમજૂતી કરે તો તે લોકસભાની ચૂંટણીની દૃષ્ટિએ મહત્ત્વનો રાજકીય બનાવ ગણાશે

Published on: Sat, 12 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer