આલોક વર્માએ નીરવ મોદી-માલ્યાને ભગાડી મૂક્યા?

આલોક વર્માએ નીરવ મોદી-માલ્યાને ભગાડી મૂક્યા?
નવી દિલ્હી, તા. 12 : સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર આલોક વર્માની મુસીબતો હાલ ઓછી થવાનું નામ નથી લેતી, કારણ કે કેન્દ્રીય વિજીલન્સ પંચે (સીવીસી) તેમના પર છ વધુ આરોપોની તપાસ શરૂ કરી છે. તેમાં બૅન્ક કૌભાંડના આરોપીઓ નીરવ મોદી, વિજય માલ્યા અને એરસેલના ભૂતપૂર્વ પ્રમોટર સી. શિવશંકરન વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર ઉપરાંત ઇ-મેઈલ લીક કરવાના પણ આરોપ સામેલ છે.
નવા આરોપો વિશે સીવીસીએ સરકારને વાકેફ કરી છે, જેના વિશે ગયા વર્ષની 12 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ સમક્ષ વર્ષનો તપાસ અહેવાલ દાખલ કર્યા પછી ભ્રષ્ટાચાર વિરોધી ટીમ દ્વારા ફરિયાદો મળી હતી. વર્માની વિરુદ્ધ તેમના જ ભૂતપૂર્વ નંબર બે વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાના દ્વારા મૂકવામાં આવેલા 10 આરોપોની તપાસના આધાર પર રિપોર્ટમાં કહેવાય છે કે વર્માની પૂછપરછની માગ થઈ છે.
સીવીસીના સૂત્રે જણાવ્યું છે કે સીબીઆઈને 26 ડિસેમ્બરે એક પત્રના માધ્યમથી કહેવામાં આવ્યું હતું કે તે આ પ્રકરણોથી સંબંધિત બધા દસ્તાવેજ અને ફાઈલો ઉપલબ્ધ કરાવે, જેને લઈ તપાસને તાર્કિક રીતે પૂર્ણ કરી શકાય. આ પછી એજન્સીએ બુધવારે માલ્યાથી સંબંધિત પ્રકરણોના બધા દસ્તાવેજો ઉપલબ્ધ કરાવ્યા હતા.
વર્મા પર આરોપ છે કે તેઓઁ નીરવ મોદી પ્રકરણમાં સીબીઆઈના કેટલાક આંતરિક ઇ-મેઈલો લીક થતાં આરોપીઓને શોધવાને બદલે પ્રકરણને દબાણ દેવાનો પ્રયાસ કરતા હતા. જ્યારે કે તે સમયે બૅન્ક કૌભાંડમાં એક પીએનબી કૌભાંડની તપાસ ચરમ પર હતી. અહીં ઉલ્લેખ કરવો ઘટે કે એજન્સીએ જૂન 2018માં તત્કાલીન સંયુક્ત ડાયરેક્ટર રાજીવ સિંહ (જે નીરવ મોદીની તપાસ કરી રહ્યા હતા) તેમની રૂમને તાળું વાસી દીધું હતું અને ત્યાં સુધી કે ડેટા મેળવવા માટે ઇર્ન્ફોમેશન ઍન્ડ ટેક્નોલૉજી ખાતાની ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમને (સીઈઆરટી) પણ બોલાવી હતી. જોકે એજન્સીના આ પગલાંનું કારણ જણાવવામાં આવ્યું હતું નહીં.
અન્ય મુખ્ય આરોપમાં એરસેલના ભૂતપૂર્વ માલિક સી. શિવશંકરન વિરુદ્ધ બહાર પાડવામાં આવેલા લુક આઉટ સર્ક્યુલરને નબળો કરવાનો આરોપ છે, જેને લઈ 600 કરોડ રૂપિયાના આઈડીબીઆઈ બેન્ક લોન કૌભાંડના પ્રમુખ આરોપીને ભારત છોડવાની પરવાનગી મળી હતી. માહિતી તો એવી મળી છે કે જોઈન્ટ ડાયરેક્ટર કક્ષાના અધિકારીએ શિવશંકરનથી પોતાની ઓફિસમાં અને ફાઈવ સ્ટાર હૉટલમાં મુલાકાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે શિવશંકરને આઈપીએસ અધિકારીને મળવા માટે ખોટી ઓળખ ઊભી કરી હતી. આના થોડા સમયમાં જ ઉદ્યોગપતિ વિરુદ્ધ બહાર પાડવામાં આવેલા લુક આઉટ સર્ક્યુલરને નબળો કરી દેવામાં આવ્યો હતો.
વર્માની વિરુદ્ધ વધુ એક ગંભીર આરોપ અૉક્ટોબર 2015માં બહાર પાડવામાં આવેલી વિજય માલ્યા સામેના લુક આઉટ સર્ક્યુલરને નબળો કરાવીને લઈને છે. માલ્યા પર 700 કરોડ રૂપિયાના આઈડીબીઆઈ બૅન્ક કૌભાંડનો આરોપ છે, જેમાં હાલમાં જ બ્રિટનની એક કોર્ટે તેમના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો છે. સર્ક્યુલર બહાર પાડવાના એક મહિનાની અંદર વર્માની નિકટના મનાતા સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર એ. કે. શર્માએ ઇમિગ્રેશન અધિકારીઓને પત્ર લખી `તાબા'માં લેવાને બદલે ફક્ત `સૂચિત' કરવાની માગ કરી હતી. આ કારણે માલ્યાને દેશથી ભાગી જવામાં મદદ મળી હતી.

Published on: Sat, 12 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer