શારાપોવાએ અપસેટ કરી ગત ચૅમ્પિયન વોઝનિયાકીને હાર આપી

શારાપોવાએ અપસેટ કરી ગત ચૅમ્પિયન વોઝનિયાકીને હાર આપી
ફેડરરનો 63મી વખત ગ્રાંડસ્લેમ ટુર્નામેન્ટના પ્રી કવાર્ટરમાં પહોંચવાનો રેકર્ડ : અૉસ્ટ્રેલિયન ઓપનમાં નડાલ પણ ચોથા રાઉન્ડમાં
 
મેલબોર્ન, તા.18: રશિયાની મારિયા શારાપોવાએ ઉલટફેર કરીને ગત વર્ષની ચેમ્પિયન કેરોલિના વોઝનિયાકીને હાર આપીને ઓસ્ટ્રેલિયન ઓપનના ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ પુરુષ વિભાગમાં મહાન રોઝર ફેડરર અને રાફેલ નડાલ પણ વર્ષની પહેલી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના અંતિમ 16માં પહોંચવામાં સફળ રહ્યા છે.
પાંચ વખતની ગ્રાંડસ્લેમ ચેમ્પિયન રશિયાની મારિયા શારાપોવાએ આજે ત્રીજા રાઉન્ડમાં અપસેટ કરીને ડેનમાર્કની અને હાલ વિશ્વ ક્રમાંકમાં ત્રીજા નંબરની ખેલાડી અને 2018ની ચેમ્પિયન કેરોલિના વોઝનિયાકી સામે ત્રણ સેટના સંઘર્ષ બાદ 6-4, 4-6 અને 6-3થી વિજય મેળવીને ચોથા રાઉન્ડમાં આગેકૂચ કરી હતી. 2017માડોપ ટેસ્ટમાં પોન્ટીવ રહયા બાદ પ્રતિબંધ સહન કરનારા શારાપોવાની આ પછીની આ સૌથી મોટી જીત છે. શારાપોવા છેલ્લે 2914માં ગ્રાંડસ્લેમ જીતી હતી. હવે તેનો સામનો સ્થાનિક ખેલાડી એશ્લે બાર્ટી સામે થશે. બાર્ટીએ ગ્રીસની ખેલાડી સક્કારીને 7-5 અને 6-1થી હાર આપી હતી. તેણીએ હજુ સુધી આ ટૂર્નામેન્ટમાં એક પણ સેટ ગુમાવ્યો નથી. 
બીજી તરફ મહાન રોઝર ફેડરરે રોડ લોવેર અરિના પરના તેના 100મા મેચમાં અમેરિકી ખેલાડી ટેલર ફ્રિટજને 6-2, 7-5 અને 6-2થી હાર આપીને અંતિમ 16માં જગ્યા બનાવી છે. ફેડરર માત્ર 88 મિનિટમાં 63મી વખત ઓપન એરામાં કોઇ ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે સ્પેનના રાફેલ નડાલે ત્રીજા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયન યુવા ખેલાડી એલેકસ ડિ' મિનોર સામે 6-1, 6-2 અને 6-4થી વિજય મેળવીને ચોથા રાઉન્ડમાં આગેકૂચ કરી હતી. 
મહિલા વિભાગના એક અન્ય મેચમાં પાંચમા ક્રમની અમેરિકી ખેલાડી સ્લોએન્સ  સ્ટીફન્સે ક્રોએશિયાની ખેલાડી પેત્રા માર્ટિચને હાર આપીને પ્રી. કવાર્ટરમાં જગ્યા બનાવી છે.
Published on: Sat, 19 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer