ચહલની ફિરકી અને ધોની-જાધવ ફિનિશિર : ભારતનો શ્રેણી વિજય

ચહલની ફિરકી અને ધોની-જાધવ ફિનિશિર : ભારતનો શ્રેણી વિજય
ત્રીજી અને નિર્ણાયક વન ડેમાં અૉસ્ટ્રેલિયા સામે ભારતનો આખરી ઓવરમાં 7 વિકેટે યાદગાર વિજય : કાંગારું ધરતી પર ટીમ ઇન્ડિયાએ પહેલીવાર દ્વિપક્ષી વન ડે શ્રેણી કબજે કરી
 
42 રનમાં 6 વિકેટ લેનાર ચહલ મૅન અૉફ ધ મૅચ અને ધોની મૅન અૉફ ધ સિરિઝ
 
મેલબોર્ન, તા.18 : પહેલા ફિરકી સ્પિનર યજુર્વેન્દ્ર ચહલની સ્પિન જાળ (6 વિકેટ) બાદમાં મહેન્દ્રસિંહ ધોનીના (અણનમ 87 ) અને કેદાર જાધવ ( અણનમ 61)ના ફિનિશિંગ ટચથી ભારતે ત્રીજા અને આખરી વન ડેમાં ઓસ્ટ્રેલિયા સામે 7 વિકેટે જીત મેળવીને 2-1થી શ્રેણી કબજે કરી હતી. આથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટીમ ઇન્ડિયાએ પહેલીવાર દ્વિપક્ષી વન ડે શ્રેણીમાં વિજય પ્રાપ્ત કરવાની સિધ્ધિ મેળવી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં કોહલીસેનાએ અજેય રહેવાની પણ સિધ્ધિ નોંધાવી છે. ટી-20 સિરિઝ 1-1થી ડ્રો કરી હતી. તો ટેસ્ટ શ્રેણીમાં 2-1થી ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો. હવે વન ડે શ્રેણીમાં 2-1થી વિજયી તિરંગો લહેરાવ્યો છે. મેલબોર્નમાં રમાયેલ નિર્ણાયક ત્રીજા વન ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાએ આપેલો 231 રનનો વિજય લક્ષ્યાંક 4 દડા બાકી રાખીને 49.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને સર કરી લીધો હતો. 42 રનમાં 6 વિકેટ લઇને કાંગારૂ બેટિંગ ક્રમની કમ્મર તોડી નાંખનાર ભારતીય રીસ્ટ સ્પિનર યજુર્વેન્દ્ર ચહલ મેન ઓફ ધ મેચ થયો હતો. જ્યારે શ્રેણીના ત્રણ મેચમાં અર્ધસદી કરનાર એમએસ ધોની મેન ઓફ ધ સિરિઝ બન્યો હતો.
ઓસ્ટ્રેલિયાને 230 રને ઓલઆઉટ કર્યાં બાદ ભારતની શરૂઆત બહુ સારી રહી ન હતી. 59 રનમાં બન્ને ઓપનર રોહિત (9) અને શિખર (23)ની વિકેટ ભારતે ગુમાવી હતી. આ પછી સુકાની કોહલી અને ધ ફિનિશર ધોની વચ્ચે ત્રીજી વિકેટમાં 54 રનની ભાગીદારીથી ટીમની સ્થિતિ સુધરી હતી, પણ કોહલી 62 દડામાં 3 ચોક્કાથી 46 રને આઉટ થતાં ભારતની સ્થિતિ ફરી નાજુક બની હતી, પણ વિશ્વ ક્રિકેટના મહાન ફિનિશર ગણાતા ધોનીએ ફરી એકવાર શાનદાર ઇનિંગ રમી હતી. ધોનીને કેદાર જાધવનો સાહસિક સાથ મળ્યો હતો. બન્નેએ શરૂમાં સિંગલ-ડબલથી સ્ટ્રાઇક રોટેડ કર્યું હતું. બાદમાં રન રફતાર તેજ કરીને આખરી ઓવર સુધી મેચ લઇ જઇને 49.2 ઓવરમાં 3 વિકેટે 243 રન કરીને ભારતને ઓસ્ટ્રેલિયા સામે 7 વિકેટે સંગીન જીત અપાવી હતી. ધોની તેની 70મી અર્ધસદી ફટકારીને 114 દડામાં 6 ચોક્કાથી 87 રને અને કેદાર જાધવ 57 દડામાં 7 ચોક્કાથી 61 રને નોટઆઉટ રહ્યા હતા. ધોનીએ સતત બીજા મેચમાં ફિનિશર બનીને ભારતને જીત અપાવી હતી. ધોની અને જાધવ વચ્ચે ચોથી વિકેટની અતૂટ ભાગીદારીમાં 121 રનની વિજયી ભાગીદારી થઇ હતી.
આ પહેલા ભારતે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. સુકાની કોહલીનો આ નિર્ણય સાચો સાબિત થયો હતો. કાંગારૂ ટીમ ભારતની પેસ એન્ડ સ્પિન એટક સામે સ્થિર બની શકી ન હતી. શરૂઆતમાં ભુવનેશ્વર ત્રાટકયો હતે. તેણે શ્રેણીમાં સતત ત્રીજીવાર કાંગારૂ સુકાની ફિંચ (14)નો શિકાર કર્યોં હતો. એલેકસ કેરીને પણ સસ્તામાં પેવેલિયન ભેગો કર્યોં હતો. આ પછી શ્રેણીમાં પહેલીવાર રમી રહેલા ચહલનો ચરખો શરૂ થયો હતો. ચહલની સ્પિન જાળમાં કાંગારૂ બેટધરો આબાદ ફસાયા હતા અને પૂરી ટીમ 48.4 ઓવરમાં 230 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ 58 રન હેન્સકોબે 63 દડામાં 2 ચોક્કાથી કર્યાં હતા. ઇન ફોર્મ શોન માર્શે 39, ખ્વાઝાએ 34  અને મેકસવેલે 26 રન કર્યાં હતા. ચહલે 10 ઓવરમાં 42 રન આપીને 6 વિકેટ લઇને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તો ભુવનેશ્વર અને શમીને 2-2 વિકેટ મળી હતી.
Published on: Sat, 19 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer