આ વર્ષે ચાની બજાર ગરમ થવાની ધારણા

આ વર્ષે ચાની બજાર ગરમ થવાની ધારણા
નિધેષ શાહ તરફથી
સુરેન્દ્રનગર, તા. 18 : આ  વર્ષે ર019માં ચાના  ભાવ 2018ની સરખામણીએ વધુ રહેશે, તેમ જાણકારોનું  માનવું  છે. તેનાં  મુખ્ય કારણોમાં ગત વર્ષે ચાનું ઉત્પાદન ધારણા કરતાં ઓછું થયેલ છે. પહેલા દક્ષિણ ભારતમાં પ્રતિકૂળ હવામાનને કારણે અને ત્યાર બાદ ઉત્તર ભારતમાં પણ  ઉત્પાદન ઘટયું છે.  તદુપરાંત 10  ડિસેમ્બરથી  ઉત્તર ભારતના ચા પીવા પરના પ્રતિબંધને કારણે આશરે 35થી  45 લાખ કિલો ચા ઓછી પાકવાનો અંદાજ છે. વર્ષ 2017ની સરખામણીમાં તે વર્ષ 2018માં ચાના લિલામમાં ભાવ 4  ટકા  જેટલો વધારે હતો. સપ્લાયરોના મતે આ વર્ષે તે હજી વધશે. ગયા અૉકટોબરમાં 1764.4  લાખ કિલો ચાનું  ઉત્પાદન થયેલ, વાર્ષિક ધોરણે 3.7 ટકાનો  ઘટાડો દર્શાવે છે. 2017ના અૉક્ટોબરમાં 1832.3  લાખ કિલો ચાનું ઉત્પાદન થયું હતું.
આસામમાં સામાન્ય  રીતે 12 થી 25 ડિસેમ્બર સુધી ચા ચૂંટવાનું કામ થતું હોય છે, જે આ વખતે 10 ડિસેમ્બરે બંધ થયેલ છે.  તેને લીધે ફાઇબરી ચાનું ઉત્પાદન ઘટશે. સામા પક્ષે ચાની નવી સિઝન માટે પૂરતી માવજત મેળવેલ ચાના છોડ સારી ગુણવત્તાયુકત ચા પૂરી પાડશે. બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ટી બોર્ડ ઓફ ઇન્ડિયાના ઉત્તર ભારતમાં ચા ચૂંટવા પરના પ્રતિબંધનો સારા અને મોટા ઉત્પાદકોએ ચુસ્તપણે અમલ કરેલ છે, પરંતુ અમુક નાના નાના બોટલીફ  એકમોએ  ચાનું ઉત્પાદન ચાલુ રાખેલ છે. 
હવે ચા ચૂંટવાની  કાર્યવાહી ફેબુઆરી 15  સુધી બંધ રહેશે,  જેના કારણે  ચાનું ઉત્પાદન થોડું ઘટશે. સામે  પક્ષે આગામી સપ્તાહોમાં વધુ ગુણવત્તાવાળી  ચાના સારા ભાવ મળી રહેશે. સારી જાતની ચાના ઉત્પાદનના કારણે  ચાની નિકાસ પણ વધશે. ચાની નિકાસ વધારવા ટી બોર્ડ ઓફ ઇન્ડિયા તથા  ઇન્ડિયન ટી એસોસિયેશને કરેલા પ્રયત્નોના પગલે વર્ષ 2020 સુધીમાં પ્રતિ વર્ષ 30 કરોડ કિલો ચાની  નિકાસ થવાની  ધારણા છે. 
તાજેતરમાં થયેલ સર્વે મુજબ વર્ષ 2017 દરમ્યાન ઓકશનની સરેરાશ ઊપજેલ પ્રતિકિલો કિંમત રૂા. 133  આસપાસ સામે વર્ષ 2018 દરમ્યાન ઓકશનની સરેરાશ કિંમત રૂા. 138 આસપાસ રહેલ છે. છતાં ઉત્પાદકોના નફાના ગાળામાં ઘટાડો થવા પામ્યો છે, જેમાં મુખ્ય કારણ નવા દરે ચુકવવામાં આવતો દૈનિક વેતનનો માર પડે છે. ખાતર, દવાઓ અને ડીઝલ  વગેરે બળતણના ભાવવધારા પણ  ચાનો  ઉત્પાદન ખર્ચ વધારવા માટે જવાબદાર છે.
Published on: Sat, 19 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer