શેરડીના પૈસા ન મળતાં ખેડૂતોએ મિલોની ખાંડ પર દાવો કર્યો

શેરડીના પૈસા ન મળતાં ખેડૂતોએ મિલોની ખાંડ પર દાવો કર્યો
મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રની ખાંડ મિલો ખેડૂતોને શેરડીના વાજબી અને વળતરદાયી ભાવ (એફઆરપી) ચૂકવવામાં નિષ્ફળ રહેતાં ખેડૂતોએ મિલમાં રહેલી ખાંડ પર દાવો કર્યો હતો. સુગર કમિશનર પાસે પોતાની માગણી રજૂ કરતાં ખેડૂતોએ કહ્યું હતું કે પ્રત્યેક ખેડૂતને તેની બાકી રહેતી રકમ જેટલી કિંમતની ખાંડ અપાવી જોઈએ. `એ ખાંડનું શું કરવું તે ખેડૂતો નક્કી કરશે,' એમ ખેડૂત નેતા અને સાંસદ રાજુ શેટ્ટીએ કહ્યું હતું. સુગર કમિશનર શેખર ગાયકવાડે તેમને કહ્યું હતું કે તેમની માગણી સ્વીકારવામાં કોઈ કાનૂની વાંધો નથી, પણ તેમને જે ખાંડ મળે તેના પર તેમણે જીએસટી ચૂકવવો પડશે.
શેટ્ટીના કહેવા મુજબ પિલાણની મોસમ શરૂ થયાના 15 દિવસની અંદર મિલો ખેડૂતોને શેરડીનાં નાણાં ચૂકવવા બંધાયેલી છે. પરંતુ અત્યારે બે મહિના થઈ જવા છતાં મિલોએ શેરડીનાં નાણાં ચૂકવ્યાં નથી. એફઆરપી શેરડીનો સરકારે ઠરાવેલો ભાવ છે. નવેમ્બર સુધીમાં રાજ્યની ખાંડ મિલોએ શેરડીના ખેડૂતોને રૂા. 2500 કરોડ ચૂકવવાના હતા એમ સરકારી અધિકારીઓએ કહ્યું હતું.
`ખેડૂતો ક્વિન્ટલ દીઠ રૂા. 2900ના ભાવે મિલો પાસેથી ખાંડ સ્વીકારવા તૈયાર છે. સુગર કમિશનરે મિલો પાસેની ખાંડ જપ્ત કરીને ખેડૂતોને આપી દેવી જોઈએ. મિલરો કહે છે કે તેઓ માલભરાવાને કારણે ખેડૂતોને એફઆરપી ચૂકવી શકતા નથી. પરંતુ ઘણી મિલોએ બજારમાં ખાંડ વેચી નાખ્યા પછી પણ ખેડૂતોને નાણાં ચૂકવ્યાં નથી,' એમ શેટ્ટીએ કહ્યું હતું.
ખાંડનું વધુપડતુ ઉત્પાદન અને સ્થાનિક બજારમાં દબાયેલા ભાવોને કારણે ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવાં શેરડી ઉગાડતાં રાજ્યોમાં મિલોએ ખેડૂતોને આપવાની રકમ ખૂબ મોટી થઈ ગઈ છે. ખેડૂતોએ પોતાના આક્રોશને વાચા આપવા આંદોલનનો માર્ગ લીધો છે, પણ કેન્દ્ર સરકારે ચોખવટ કરી છે કે ખાંડ ઉદ્યોગને રાહત આપવાની તેની શક્તિ મર્યાદિત છે.
Published on: Sat, 19 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer