ઉત્તર અને પૂર્વ ભારતમાં સિમેન્ટની ખેંચ સર્જાવાની વકી

ઉત્તર અને પૂર્વ ભારતમાં સિમેન્ટની ખેંચ સર્જાવાની વકી
કોલકાતા, તા. 18 : દેશના ઉત્તરીય અને પૂર્વીય પ્રદેશોમાં સિમેન્ટની ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો હોવા છતાં ત્યાં આગામી બે-ત્રણ વર્ષમાં પુરવઠા કરતાં માગ વધી જવાની ધારણા છે. માલખેંચને પરિણામે આ બે પ્રદેશોમાં ભાવ મક્કમ રહેવાની ધારણા છે. તાજેતરમાં જ દેશના પશ્ચિમ પ્રદેશમાં સિમેન્ટના ભાવમાં પાંચ ટકા અને ઉત્તરીય રાજ્યોમાં ત્રણ ટકાનો વધારો થયો હતો. દેશના મધ્ય વિસ્તાર જે ચુનાના પથ્થરોના વિપુલ ભંડાર ધરાવે છે ત્યાં પણ ભાવ બે ટકા વધ્યા છે. જોકે દક્ષિણ અને પૂર્વ ભારતમાં ભાવ અનુક્રમે બે અને ત્રણ ટકા ઘટયા છે.
દેશના વિવિધ ભાગોમાં સિમેન્ટના ભાવના જુદાં જુદાં વલણને કારણે પ્રત્યેક ત્રૈમાસિકમાં તેના ભાવમાં એક ટકા જેટલો સાધારણ વધારો થવાની શક્યતા છે એમ મોતીલાલ ઓસવાલના અહેવાલમાં જણાવાયું છે. આગામી બે-ત્રણ વર્ષમાં સિમેન્ટની માગ વૃદ્ધિ હાલના છ-સાત ટકાથી વધીને 10 ટકા થવાની શક્યતા છે. તેણાં પૂર્વીય ભારતમાં તે ખૂબ ઝડપથી વધશે એમ શ્રીસિમેન્ટના મૅનેજિંગ ડિરેક્ટર એચ.એમ. બાંગુરનું કહેવું છે.
સિમેન્ટના હાલના માલ ભરાવાને પગલે તેના ભાવ પર અને મોટી કંપનીઓની નફાશક્તિ પર ટૂંકા ગાળામાં વિપરીત અસર થવાની ચિંતા સીએલએસએ -કલેસા- સહિત મોટી બ્રોકિંગ કંપનીઓએ વ્યક્ત કરી છે. વધુમાં રેતીના ખોદકામની સમસ્યાઓ, રિયલ એસ્ટેટની મંદમાગ, પરિવહન ખર્ચ અને અન્ય ઉત્પાદન ખર્ચથી સિમેન્ટની લગભગ બધી જ મોટી કંપનીઓ પર દબાણ આવ્યું છે.
ઈકરા રેટિંગ્સના સિનિયર ઉપપ્રમુખ અને ગ્રુપ હેડ સવ્યસાચી મઝુમદારના જણાવવા મુજબ પૂર્વ ભારતમાં ઉત્પાદન ક્ષમતાનો વપરાશ લગભગ 80 ટકાની આસપાસ રહ્યો છે જે સિમેન્ટ કંપનીઓ માટે સંતોષની વાત છે. પૂર્વ ભારતમાં ઉત્પાદન ક્ષમતાનો આયોજિત વધારો અપેક્ષિત માગથી ઓછો રહેવાની ધારણા છે. આથી વિપરીત પશ્ચિમી અને દક્ષિણના પ્રદેશમાં ઉત્પાદન ક્ષમતાનો વપરાશ ઓછો રહ્યો છે. જ્યારે રાષ્ટ્રીય સરેરાશ લગભગ 68 ટકાની છે.
દેશના પૂર્વ અને ઉત્તર વિસ્તારોમાં આગામી બે-ત્રણ વર્ષમાં માગ પુરવઠા વચ્ચે તાલમેલ નહીં રહે. માગની તુલનાએ પુરવઠો ઓછો પડવાથી ભાવ હાલના સ્તરેથી નોંધપાત્ર સુધરવાની શક્યતા છે એમ મઝુમદારે કહ્યું હતું.
Published on: Sat, 19 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer