વૈશ્વિક સુધારા સામે સ્થાનિક બજારમાં અંડરટોન નબળો

વૈશ્વિક સુધારા સામે સ્થાનિક બજારમાં અંડરટોન નબળો
નિફ્ટીમાં નજીવો સુધારો : અગ્રણી શૅરોમાં ઊંચા ભાવે વધતી વેચવાલી
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : શૅરબજારમાં આજે સટોડિયાઓના પ્રયાસ છતાં સુધારો આગળ વધી શકયો નહીં. અમેરિકાથી હૉંગકૉંગ સુધીની બજારોમાં સંગીન સુધારા છતાં એનએસઈ ખાતે નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે નજીવા સુધારા છતાં એકંદરે અંડરટોન નરમ રહેતાં એક ઓર ઘટાડાની સંભાવના વધી ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 8 ટકા સુધરવાથી સટ્ટાકીય લેવાલીથી શૅર 4 ટકા ઉછળ્યો હતો. વિપ્રો બોનસની ચર્ચાએ 3 ટકા વધવાથી નિફ્ટી સત્રના અંતે બે પોઇન્ટના સુધારે 10,907 બંધ આપવામાં માંડ સફળ રહ્યો હતો. બાકી નિફ્ટીના પચાસ શૅરોમાંથી 33 શૅર ઘટવા સામે માત્ર 17 શૅર ઓછાવત્તા સુધર્યા હતા. નિફ્ટીમાં 10,930 નીચેની ડબલ ટોપ અને 10,850 ડબલ બોટમ બની હોવાથી આગામી અઠવાડિયે મોટી વધઘટનાં એંધાણ પ્રબળ બન્યાં છે એમ જાણકારો માને છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ અંદાજે 1 ટકા ઘટયા હતા.
શૅરબજારમાં ક્રૂડતેલના ભાવસુધારા અને સ્થાનિકમાં રાજકીય અનિશ્ચિતતામાં વધારાના સંકેતોથી ટોચના અથવા ઉપરના ભાવે નફાતારવણી વધી છે. છેલ્લા બે મહિનાથી ડિલિવરી સાથેના સોદા સતત ઘટતા ગયા છે. તેથી બજારમાં હવે આગળ ઉપર 11,000ની ટોચની સપાટી ઉપર નજીકમાં બજાર ટકાઉ નથી એમ બજારનાં સૂત્રો માને છે. જેથી આજના સુધારામાં માત્ર આઈટી ઇન્ડેક્સમાં 1 ટકા સુધારા સામે અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડે બંધ રહ્યા હતા. આજના સુધારામાં મુખ્ય એશિયન પેઇન્ટ રૂા. 14, વિપ્રો રૂા. 11, એચસીએલ ટેક રૂા. 12, ટીસીએસ રૂા. 6, ઓએનજીસી રૂા. 2 અને મારુતિ સુઝુકી રૂા. 22 વધ્યા હતા. આજે ઘટાડામાં તીવ્ર રીતે સનફાર્મા રૂા. 36 ઘટયો હતો. કંપનીઓ નાણાકીય ગેરરીતિ આચરવાનો આક્ષેપ થતા શૅર છ વર્ષના તળિયે ઉતર્યો હતો. આઇશર મોટર્સ રૂા. 247, ડૉ. રેડ્ડીસ રૂા. 22, આલ્ટ્રાટેક-એલએન્ડટી અનુક્રમે રૂા. 28 અને રૂા. 26, એમયુએલ રૂા. 7, એચપીસીએલ રૂા. 5, ગેઇલ રૂા. 10, બૅન્કિંગમાં એક્સિસ બૅન્ક રૂા. 12, ઇન્ડસઇન્ડ રૂા. 6, એસબીઆઈ, યસ બૅન્ક અને આઈસીઆઈ રૂા. 2થી 3 તૂટયા હતા. નિફ્ટીના મેટલ સહિતના અન્ય શૅર પણ ઘટાડે બંધ રહ્યા હતા. ફાર્મા ઇન્ડેક્સ 3 ટકા ઘટયો હતો. પીએસયુ અને મેટલ 1 ટકા ઘટાડે હતા. એનલિસ્ટોના અનુમાન પ્રમાણે હવે નીચેના સપોર્ટમાં 1752 અને મહત્ત્વપૂર્ણ છે, જેની નીચે બજાર પુન : 10,650 તરફ જઈ શકે છે. ઉપરમાં 11,000 ઉપરના બે બંધ પછી જ નવો સુધારો ટકશે.
Published on: Sat, 19 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer