રિલાયન્સ ઈન્ડ.ની જામનગર રિફાઈનરી માટે $ એક

રિલાયન્સ ઈન્ડ.ની જામનગર રિફાઈનરી માટે $ એક
અબજનું સ્વદેશી-વિદેશી ભંડોળ મેળવવા વાટાઘાટો
 
મુંબઈ, તા.18 : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જામનગરની 10 અબજ ડૉલરની અૉઈલ રિફાઈનરીના વિસ્તરણ માટે 10 અબજ ડૉલરનું ભંડોળ મેળવવા સ્વદેશી અને વિદેશી બૅન્કો સાથે મંત્રણા કરી રહી છે. સૂત્રોએ કહ્યું કે, દેશમાં અને વિદેશમાં આગામી અઠવાડિયોમાં ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયા આગળ વધશે. ઉપરાંત જૂની લોન ચૂકવવા અને મૂડી ખર્ચ માટે રૂા. 2500 કરોડનો બોન્ડ ઈસ્યૂ પણ લાવશે.
નવી રિફાઈનરી માટે નાણાં મેળવવાની યોજના હજી પ્રાથમિક છે, રિલાયન્સે આ વર્ષે રૂપી બોન્ડ્સ દ્વારા રૂા. 21,500 કરોડ મેળવ્યા છે, ગયા વર્ષે તેણે રૂા. 25,165 કરોડ મેળવ્યા હતા. આમ રિલાયન્સ સૌથી વધુ ભંડોળ એકત્ર કરનારી ભારતીય કંપની બની છે. 
સાઉદી અરેબિયાની આરામકો કંપની નવી રિફાઈનરીમાં હિસ્સો ખરીદવાનું વિચારતી હોવાથી કંપનીએ હજી ડૉલર બોન્ડનું કદ નક્કી કર્યું નથી. હાલમાં, રિલાયન્સ પાસે બૅન્ક ફેસિલિટી રૂા. 60,000 કરોડની છે. 
કંપનીએ આ વર્ષમાં રૂા. 37,400 કરોડનું અને આવતા નાણાકીય વર્ષમાં રૂા.15,000 કરોડનું ચૂકવવાનું છે. કુલ ચોખ્ખું દેવું તેની રોકડ પ્રવાહિતા કરતા વધુ હોવા છતાં રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલમાંથી આવક વધતા કંપનીનો ગ્રોસ રિફાઈનિંગ માર્જિનમાં વધવાથી આ દેવાની સમસ્યા નહીં રહે તેવી એનાલિસ્ટ્સની ધારણા છે. પેટ્રોકેમિકલ અને રિફાઈનિંગ ક્ષેત્રે મૂડીરોકાણ પૂરું થવા આવ્યું છે, જ્યારે ટેલિકોમ ક્ષેત્રે મૂડીરોકાણ આવતા વર્ષે પણ ચાલુ રહેશે. 
બીઓએફએના એક એનાલિસ્ટે કહ્યું કે, જિઓની કામગીરી ધારણા કરતા સારી રહી છે. અવિરત રોકાણને લીધે ટેલિકોમ અને રિટેલ બિઝનેસમાં કંપનીની વૃદ્ધિ થતી રહેશે.
અનિલ અંબાણીની રિલાયન્સ કમ્યુનિકેશન્સને રૂા.18,000 કરોડમાં હસ્તગત કરવાની પ્રક્રિયામાં છે, પરંતુ હસ્તગતમાં વિલંબ થવાનુ કારણ એ છે કે સરકારને સ્પેક્ટ્રમના દેવાની ચૂકવણી કોણ કરે તે હજી અનિર્ણિત છે.
Published on: Sat, 19 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer