કૉંગ્રેસે સશક્ત પરિબળ હોવાની પ્રતીતિ કરાવવા પાઠવ્યો પત્ર

મમતાની રૅલીને સંપૂર્ણ ટેકો જાહેર કરતા રાહુલ ગાંધી

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 18 : લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા અન્ય વિરોધ પક્ષોની સાથે કૉંગ્રેસ પણ એક મજબૂત પરિબળ છે એ વાતની પ્રતીતિ કરાવવાના સ્પષ્ટ ઇરાદા સાથે કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારના કોલકાતા ખાતે `યુનાઇટેડ ઇન્ડિયા રૅલી'ના ટેકામાં આજે મમતા બેનરજીને પત્ર પાઠવ્યો હતો. આ રૅલીમાં ભાજપના વિરોધમાં મુખ્ય વિપક્ષોના નેતાઓ એક મંચ પર ભેગા થવાના છે.
આ રૅલીમાં પોતાની ગેરહાજરી છતાં રાહુલ ગાંધીએ પોતાના પક્ષનો જુસ્સો વધારવા અને તેની હાજરી નોંધાવવાનો એક રીતે પ્રયાસ કરી જોયો છે. રાહુલ ગાંધીને એ વાતની ખબર છે કે લોકસભાની આગામી ચૂંટણીમાં વિપક્ષના ચહેરા તરીકે તેમને સ્વીકારવા મમતા તૈયાર નથી અને પશ્ચિમ બંગાળમાં ટીએમસી સાથે કોઈ ગઠબંધન થવાનું નથી.
મમતા બેનરજી લોકસભામાં વધુ બેઠકો જીતવાની તક ઊજળી કરવા અને પોતાની તાકાતનું પ્રદર્શન કરવા આ રૅલી યોજી રહ્યાં છે અને તેઓ કૉંગ્રેસને કોઈ તક પૂરી પાડવા માગતાં નથી જેથી પશ્ચિમ બંગાળમાં તેમની બેઠકો સામે કોઈ ખતરો ઊભો થાય. લોકસભાની ચૂંટણી બાદ જો વિપક્ષોની સરકાર બનાવવાની નોબત આવે તો ટોચના હોદ્દા માટેના બેનરજીના દાવાને આ રૅલી બળ પૂરું પાડશે.
રાહુલ ગાંધી અને તેમનાં માતા સોનિયા ગાંધી આ રૅલીમાં હાજર રહેવાનાં નથી. કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ મલ્લિકાર્જુન ખડગે અને અભિષેક મનુ સિંઘવી કરશે. મમતા દીદીને પાઠવેલા પત્રમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સમગ્ર વિરોધ પક્ષો એકઝૂટ છે. `હું મમતા દીદીના એકતાના પ્રદર્શનને ટેકો આપું છું અને એવી આશા રાખું છું કે આપણે યુનાઇટેડ ઇન્ડિયા ટુગેધરનો મજબૂત સંદેશ પાઠવી શકીશું.'
`ખરા રાષ્ટ્રવાદ અને વિકાસને લોકતંત્ર, સામાજિક ન્યાય અને બિનસાંપ્રદાયિકતાના કસોટીની એરણે ચડેલા સિદ્ધાંતોથી બચાવી શકાય છે એવી અમારી માન્યતામાં સમગ્ર વિરોધ પક્ષો એકઝૂટ છે. આ સિદ્ધાંતોનો નાશ કરવાનો ભાજપ અને વડા પ્રધાન મોદી ઇરાદો ધરાવે છે. મોદી સરકારનાં ખોટાં વચનોથી કરોડો ભારતીયોમાં ગુસ્સો અને નિરાશા ફેલાયેલી છે' એમ રાહુલે વધુમાં જણાવ્યું હતું. જોકે, આ રૅલી કૉંગ્રેસને એક મહત્ત્વનો સંદેશ પણ આપશે જેની ઝલક મમતાના એવા નિવેદનમાંથી મળી રહે છે જેમાં તેમણે જણાવ્યું છે કે સમવાય પક્ષો કે જે પ્રાદેશિક પક્ષો છે તે ચૂંટણી બાદ નિર્ણાયક પરિબળ બનશે.
વિરોધ પક્ષોમાં કૉંગ્રેસના સ્થાન અંગે પ્રવર્તતી અનિશ્ચિતતા માટેનાં બે કારણો છે. એક તો ઘણા વિરોધ પક્ષો માટે કૉંગ્રેસ તેમનાં સંબંધિત રાજ્યોમાં હરીફ પક્ષ છે. ઉત્તર પ્રદેશમાં સપા અને બસપા માટે ભાજપ ઉપરાંત કૉંગ્રેસ પણ હરીફ પાર્ટી છે, એવી જ રીતે પ. બંગાળમાં ટીએમસી માટે કૉંગ્રેસ હરીફ પાર્ટી છે. બીજું કારણ એ છે કે ગયા વર્ષમાં કૉંગ્રેસના વિકાસથી પ્રાદેશિક પક્ષો અસ્વસ્થ થઈ ગયા છે. જ્યાં સુધી આ જૂનો મોટો પક્ષ પીછેહઠ કરતો હતો ત્યાં સુધી તો પ્રાદેશિક પક્ષોને તે બંધબેસતો હતો અને ત્યાં સુધી તેઓ ભાજપ સામેના મહાગઠબંધનમાં તેને સમાવવા તૈયાર હતા. ત્રણ હિન્દીભાષી રાજ્યોમાં મળેલા વિજય બાદ શક્તિશાળી બનેલી કૉંગ્રેસ હવે પ્રાદેશિક પક્ષોને સ્વીકાર્ય નથી.
Published on: Sat, 19 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer