મુકેશ અંબાણી દસ વર્ષમાં 3 લાખ કરોડ રોકશે

અદાણીની 55 હજાર કરોડનાં રોકાણની ઘોષણા વાઈબ્રન્ટ સમિટના ઉદ્ઘાટનમાં જ 4 લાખ કરોડનાં રોકાણની જાહેરાત
 
ખ્યાતિ જોશી તરફથી
ગાંધીનગર, તા. 18: વાઈબ્રન્ટ સમિટનાં ઉદ્ઘાટનમાં જ દેશની મોટી-મોટી કંપનીઓએ 3.83 લાખ કરોડ (આશરે ચાર લાખ કરોડ)નાં રોકાણની જાહેરાત કરતાં રાજ્યમાં વિકાસનાં રોડમેપને નવી દિશા આપી છે. દુનિયાભરનાં 100થી વધુ દેશોમાંથી ઉપસ્થિત બહુરાષ્ટ્રીય કંપનીઓનાં પદાધિકારીઓ અને દેશનાં મોટાં ઉદ્યોગકારોએ  સમિટનાં પ્રથમ દિવસે નવા રોકાણની જાહેરાત કરી ઉપસ્થિત સૌ કોઈને આકર્ષ્યા હતાં. 
રીલાયન્સનાં ચેરમેન મુકેશ અંબાણીએ સૌથી વધુ રૂા. 3 લાખ કરોડનાં રોકાણની વાત કરી છે. રીલાયન્સે અત્યાર સુધી ગુજરાતમાં ત્રણ લાખ કરોડ કર્યુ છે અને આગામી દસ વર્ષમાં રીલાયન્સ રાજ્યમાં બીજા 3 લાખ કરોડનું રોકાણ કરશે તેમ મુકેશ અંબાણીએ જાહેર કર્યું હતુ. રાજ્યમાં દસ લાખ લોકોને રોજગારી મળશે. આ ઉપરાંત ગાંધીનગર સ્થિત પીડીપીયુ યુનિવર્સિટીમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચત્તમ અભ્યાસને વધુ શ્રેષ્ઠ બનાવવા અને વિદ્યાર્થીઓ માટે વૈશ્વિકસ્તરની આધુનિક સુવિધાઓ માટે રૂા. 150 કરોડનાં નવાં રોકાણની જાહેરાત કરી હતી. 
રીલાયન્સ બાદ સૌથી મોટા રોકાણની જાહેરાત અદાણી ગ્રુપનાં ગૌતમભાઈ અદાણીએ કરી છે. અદાણી ગ્રુપ રૂા. 55 હજાર કરોડના રોકાણ સાથે મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો હાઈબ્રીડ સોલાર પ્લાન્ટ સ્થાપશે. આ ઉપરાંત ડેટાસેન્ટર સ્થાપવાની વાત તેમણે કરી હતી. 
ટોરેન્ટ ગ્રુપ ઉર્જા ક્ષેત્રે રૂા. 10 હજાર કરોડનું નવું રોકાણ કરશે. તેમજ આદિત્ય બીરલા ગ્રુપ આગામી ત્રણ વર્ષમાં કેમીકલ, ખાણ, ખનીજ અને સોલાર ઉર્જાનાં ક્ષેત્રમાં રૂા 15 હજાર કરોડનું રોકાણ કરશે. સુઝુકીનાં સીઈઓ તોશી મોરોએ સમિટમાં કહ્યું હતું કે, સુઝુકીનો બીજો પ્લાન્ટ ટૂંકમાં શરૂ થશે અને વર્ષ 2020 સુધીમાં સુઝુકી મોટર્સનો ત્રીજો પ્લાન્ટ પણ શરૂ થશે અને પૂર્ણ ક્ષમતાથી વાર્ષિક 7.5 લાખ કારનું ઉત્પાદન થશે.
Published on: Sat, 19 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer