`લેખાનુંદાન'' નહીં સંપૂર્ણ બજેટ રજૂ કરીને પરંપરા તોડાશે ?

નવી દિલ્હી, તા. 18 : કેસરિયા પક્ષના વડપણવાળી એનડીએની સરકાર આ વખતે પરંપરા તોડીને પૂર્ણ બજેટ રજૂ કરશે, તેવું જાણવા મળી રહ્યું છે. 2019ની સામાન્ય ચૂંટણી જીતીને ફરી સત્તામાં આવશે, તેવો વિશ્વાસ દર્શાવવા મોદી સરકાર આવી પહેલ કરી શકે છે. 
એવું પણ મનાઈ રહ્યું છે કે, આ બજેટમાં અનેક લોકરંજક ઘોષણાઓ થઈ શકે છે. નાણામંત્રાલય અને કેન્દ્ર સરકારના તાજા તમામ ટ્વિટ પરથી આવું કળાય છે. 
અનેક ટ્વિટમાં પહેલી ફેબ્રુઆરીના `કેન્દ્રીય બજેટ' અથવા `બજેટ 2019' રજૂ કરવાની વાત કહેવાઈ છે. વચગાળાના બજેટ માટે `લેખાનુદાન' શબ્દ પ્રયોજાતો રહ્યો છે. સોશિયલ મીડિયાના હેશટેગમાં પણ બજેટ 2019 શબ્દ લખાયા છે. સામાન્ય પરંપરા પ્રમાણે ચૂંટણી વર્ષમાં પૂર્ણ થતી સરકાર ત્યાં સુધીના ખર્ચ માટે સંસદની મંજૂરી લે છે. 
ચૂંટણી બાદ નવી સરકારને અગાઉની સરકારની નીતિઓ પસંદ ન પડે, એ જોતાં વર્તમાન સરકાર નવી સરકાર પર નીતિઓ થોપી શકતી નથી. 
પરંતુ આ વખતે કદાચ મોદી સરકાર આવા કોઈ બંધનમાં બંધાય તેવું નથી જણાતું. કોર્પોરેટ જગત, ઉદ્યોગ ચેમ્બર્સ વગેરેના પ્રતિનિધિઓ બેઠકો બાદ એકીઅવાજે કહી રહ્યા છે કે સરકાર આ વખતે પણ પૂર્ણ બજેટ રજૂ કરી શકે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer