ભાજપની ચૂંટણીલક્ષી રણનીતિમાં મોટું પરિવર્તન

વિપક્ષના નેતા તરીકે મધ્યપ્રદેશમાં ગોપાલ ભાર્ગવ, રાજસ્થાનમાં ગુલાબચંદ કટારિયા
 
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 18 : તાજેતરમાં ત્રણ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં અનપેક્ષિત હાર બાદ ભાજપે લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિ અને ચૂંટણી અભિયાનમાં મોટા ફેરફારો કરવાનું નક્કી કરી લીધું છે અને આનો સંકેત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તન કરીને આપી દીધો છે.
આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય આ રણનીતિનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના વર્તમાન સાંસદોના અંદાજે 50 ટકા યુવાન સાંસદોને વધુ મહત્ત્વ આપવામાં આવે એવું લાગી રહ્યું છે. જેમાં સવર્ણ વર્ગના સાંસદોનો પણ સમાવેશ થાય છે. ભાજપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ અને રાજસ્થાનમાં વસુંધરા રાજે વિધાનસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા ઈચ્છતા હતાં, પરંતુ તેમને બાજુ પર હડસેલી દેવામાં આવ્યાં છે. પક્ષે મધ્યપ્રદેશમાં બ્રાહ્મણ સમુદાયના ગોપાલ ભાર્ગવને રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નિમ્યા છે. મધ્યપ્રદેશમાં 2003 પછી ત્રણેય મુખ્ય પ્રધાનો ઉમા ભારતી, બાબુલાલ ગોર અને શિવરાજસિંહ ચૌહાણ પછાત વર્ગના હતા. રાજ્યમાં બ્રાહ્મણો અને સવર્ણો ભાજપથી નારાજ છે. આનું મુખ્ય કારણ એસસી-એસટી કાયદામાં સંશોધનનું છે. સવર્ણોની નારાજગી દૂર કરવા ભાજપના કેન્દ્રીય નેતૃત્વે ગોપાલ ભાર્ગવને વિપક્ષના નેતા બનાવવાનો નિર્ણય કર્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભાર્ગવને વિપક્ષના નેતા બનાવીને બ્રાહ્મણોને રિઝવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભાજપને એવું લાગે છે કે, ભાર્ગવ અને પછાત સવર્ણોને 10 ટકા અનામતનો દાવા તેને તેનો ગુમાવેલો જનાધાર પાછો મેળવવામાં મદદરૂપ થશે.
રાજસ્થાનમાં ભાજપના આંતરિક વિખવાદને હાર માટેનું કારણ ગણવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય નેતૃત્વ અને વસુંધરા વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી. એટલે ભાજપે રાજસ્થાનમાં ગુલાબચંદ કટારિયાને વિપક્ષના નેતાની ભૂમિકા સોંપી છે અને તેનાથી વસુંધરા નારાજ થશે એ પણ દેખીતું છે. કટારિયા અને વસુંધરા વચ્ચે ક્યારે પણ બન્યું નથી. કટારિયાની આ નિયુક્તિથી એવો સંકેત મળે છે કે, કેન્દ્રીય નેતૃત્વ અને આરએસએસ લોકસભાની ચૂંટણીમાં નવી ટીમ સાથે ઊતરશે જેમાં વસુંધરાની કોઈ ભૂમિકા હશે નહીં.
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ભાજપનો એક પરંપરાગત સમર્થક વર્ગ અયોધ્યામાં રામજન્મભૂમિ પર શ્રીરામમંદિરના નિર્માણને લઈને સર્વોચ્ચ ન્યાયાલયની વારંવાર ટાળવાની કાર્યશૈલીથી ઘણો નારાજ અને દુ:ખી છે અને તે ઈચ્છે છે કે, સરકાર આ માટે સંસદમાં કાયદો લાવે, પરંતુ સરકાર તરફથી કોઈ ઉત્સાહપ્રેરક કાર્યવાહી થઈ રહી નથી.
એવી જ રીતે નાગરિકતા સંશોધન ખરડા વિષે પૂર્વોત્તર રાજ્યોના ભાજપના સાથીપક્ષ અસમ ગણ પરિષદ જેવા કેટલાક ઘટક પક્ષો ભાજપનો સાથ છોડી ગયા છે. જે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં ભાજપ માટે ચિંતાનું કારણ છે. આવાં કેટલાંક કારણોને લઈને ભાજપે તેની ચૂંટણીની રણનીતિ અને અભિયાનમાં પરિવર્તન કરવું પડયું છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer