પાલિકાની શાળામાં ચાર વર્ષમાં 23 ટકા વિદ્યાર્થી ઘટયા

10 વર્ષ પછી પાલિકાની શાળામાં એકપણ વિદ્યાર્થી નહીં હોય : પ્રજા ફાઉન્ડેશન  
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : મુંબઈ પાલિકાની શાળામાં શૈક્ષણિક વર્ષ 2013-14માં  4,04,251 વિદ્યાર્થી હતા. શૈક્ષણિક વર્ષ 2017-18માં તે 23 ટકા ઘટીને તેની સંખ્યા 3,11,663 સુધી પહોંચી છે. આ ઝડપથી વિદ્યાર્થીઓ પાલિકાની શાળા છોડવાનું રાખશે તો શૈક્ષણિક વર્ષ 2027-28 સુધીમાં પાલિકાની શાળામાં એકપણ વિદ્યાર્થી ભણતો નહીં હોય એમ પ્રજા ફાઉન્ડેશનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
પ્રજા ફાઉન્ડેશન દ્વારા ગઈકાલે મુંબઈ પાલિકાની શાળાની સ્થિતિ અંગે અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. `પ્રજા ફાઉન્ડેશન'ના સ્થાપક ટ્રસ્ટી નિતાઈ મહેતાએ આ અહેવાલને બહાર પાડતાં જણાવ્યું હતું કે વર્ષ 2017-18ના આંકડા અનુસાર પાલિકાની 426 શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 100 કરતાં ઓછી હતી. છેલ્લાં દસ વર્ષમાં વિદ્યાર્થીઓએ એડમિશન નહીં લેવાને લીધે અથવા અન્ય શાળામાં સ્થળાંતર કરવાને લીધે પાલિકાની 229 શાળા બંધ થઈ છે. આમ છતાં પાલિકાના શિક્ષણ પાછળના ખર્ચમાં 36 ટકા વધારો થયો છે. વર્ષ 2013-14માં શિક્ષણ પાછળનો ખર્ચ 1540 કરોડ રૂપિયા હતો તે વર્ષ 2017-18માં 2094 કરોડ રૂપિયા થયો હતો. શિક્ષણ પાછળ થયેલા ખર્ચમાં વધારા છતાં હંસા રિસર્ચ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલાં સર્વેક્ષણમાં માલૂમ પડયું હતું કે 94 ટકા વાલીઓએ પોતાનાં સંતાનોને ખાનગી શાળામાં દાખલ કરવાનો મત દર્શાવ્યો હતો.
યુ-ડીઆઈએસઆઈના જિલ્લા સ્તરની શાળાઓમાં પણ આ પ્રકારનું વલણ જોવા મળ્યું હતું. બીજી તરફ માન્યતા નહીં ધરાવતી અને સરકારી મદદ નહીં મેળવતી શાળાઓમાં વિદ્યાર્થીઓની ભરતીમાં વૃદ્ધિ જોવા મળી હતી.
મહેતાએ જણાવ્યું હતું કે શાળાના સ્તરે નિર્ણય લેવાની પ્રક્રિયામાં વાલીઓ નિષ્ણાતો, શિક્ષકો અને નગરસેવકોને સહભાગી કરવાની પ્રક્રિયા સક્ષમ બનાવવા માટે ફરજિયાત શિક્ષણના અધિકાર હેઠળ શાળા વ્યવસ્થાપન સમિતિ  રચવામાં આવી હતી. આમ છતાં વર્ષ 2016-17માં 85 ટકા અને 2017-18માં  83 ટકા નગરસેવકોએ બેઠકમાં ભાગ લીધો નહોતો.
શૈક્ષણિક વર્ષ 2008-09થી 2017-18 સુધીના સમયગાળામાં 229 શાળા બંધ થઈ હતી. તેમાં મરાઠી માધ્યમની 48.5 ટકા તેમ જ ગુજરાતી, તામિલ, તેલુગુ અને કન્નડ જેવાં માધ્યમોની 39.7 ટકા શાળાઓનો સમાવેશ થતો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer