વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં દેશના પહેલા સિનેમા મ્યુઝિયમનું લોકાર્પણ કરશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : દેશનું પહેલું સિનેમા મ્યુઝિયમ માયાનગરી મુંબઈમાં તૈયાર છે અને આવતી કાલે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે નૅશનલ મ્યુઝિયમ અૉફ ઇન્ડિયન સિનેમાનું લોકાર્પણ થશે. એક સમયે ફિલ્મી હસ્તીઓનો વિસ્તાર ગણાતા પેડર રોડ પર ફિલ્મ્સ ડિવિઝનના પરિસરમાં આવેલા 19મી સદીમાં બંધાયેલા વિક્ટોરિયન ગોથિક ડિઝાઇનના ગુલશન બંગલો તેમ જ તેની નજીકમાં જ આવેલી પાંચ માળની એક બીજી ન્યૂ મ્યુઝિયમ બિલ્ડિંગમાં આ સિનેમા મ્યુઝિયમ તૈયાર કરાયું છે. 
લગભગ 140 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ મ્યુઝિયમમાં મુલાકાતીઓને ભારતીય સિને સૃષ્ટિનો શતાબ્દી જૂનો ઇતિહાસ દર્શાવતું અૉડિયો-વિઝ્યુઅલ્સ પ્રદર્શન, ગ્રાફિક્સ, આર્ટિફેક્ટ્સ, ઇન્ટરએક્ટિવ એક્ઝિબિટ્સ માણવા મળશે. 
ગુલશન બંગલોનો પણ ઇતિહાસ છે, દાયકાઓ સુધી તેમાં એક ખોજા મર્ચંટ રહેતા હતા અને બાદમાં બીજા વિશ્વયુદ્ધ વખતે આ બંગલોમાં સૈનિકો માટેની હૉસ્પિટલ હતી. બાદમાં જય હિંદ કૉલેજનું કૅમ્પસ અને અત્યાર સુધી ફિલ્મ્સ ડિવિઝનની અૉફિસ તરીકે આ બંગલો વપરાયો હતો. હવે આ બંગલોનો કાયાકલ્પ કરીને તેમાં ભારતીય સિનેમાના ઇતિહાસનું આર્ટ ઍન્ડ ક્રાફ્ટ એક્ઝિબિશન `િચત્રપટ' તૈયાર કરાયું છે. તેમાં નવ વિભાગમાં ભારતીય ફિલ્મોદ્યોગની ભવ્ય સફર દર્શાવતી માયાવી સૃષ્ટિ (લાઇટ એન્ડ સાઉન્ડ ઇફેક્ટથી ઇલ્યુઝન) જોવા મળશે. આ શૉમાં મૂક બોલપટથી લઇને શ્વેત-શ્યામ તેમ જ સ્ટુડિયોનો યુગ અને આજના આધુનિક ફિલ્મ જગતની સફર જોવા મળશે.
ગુલશન બંગલોથી અત્યંત નજીક આવેલી 12,000 ચોરસ મીટરની આધુનિક ન્યૂ મ્યુઝિયમ બિલ્ડિંગમાં ડિઝિટલ સાઉન્ડ સિસ્ટમ સાથે થ્રી-ડી થિયેટર પણ તૈયાર કરાયું છે. ચાર એક્ઝિબિશન હૉલ તૈયાર કરાયા છે જેમાં `ગાંધી એન્ડ સિનેમા', `િચલ્ડ્રન્સ ફિલ્મ સ્ટૂડિયો', `ટેક્નૉલોજી, ક્રિએટિવિટી ઍન્ડ ઇન્ડિયન સિનેમા' તેમ જ 'સિનેમા અક્રોસ ઇન્ડિયા'ની થીમના પ્રદર્શનો તૈયાર કરાયા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer