ગણપતિને રાષ્ટ્રદેવ તરીકે માન્યતા મળવી જોઈએ : ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

ગણપતિને રાષ્ટ્રદેવ તરીકે માન્યતા મળવી જોઈએ : ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
અમારા પ્રતિનિધિ તરફથી
પુણે, તા. 18 : દેશનું રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રચિહ્ન છે. રાષ્ટ્રધ્વજ છે. જોકે દેશનો કોઈ રાષ્ટ્રદેવ નથી. એટલે સર્વગુણસંપન્ન ગણપતિને રાષ્ટ્રદેવ તરીકે માન્યતા મળવી જોઈએ એમ જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાએ શુક્રવારે અહીં જણાવ્યું છે.
ભારતીય છાત્ર સંસદના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રનેતાઓએ પણ ગણપતિ જેવા બનવાની જરૂર છે. ગણપતિની જેમ તેમના કાન મોટા હોવા જોઈએ. જો તેમના કાન મોટા હશે તો દરેકનું કહેવું તે સાંભળશે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો તેમણે આદર કરવો જોઈએ. તેમની વાણી લોકોની ભાવનાને આદર કરે એવી હોવી જોઈએ. નાક પણ મોટું હોવું જોઈએ. એટલે લોકોની સમસ્યા પણ તેઓ ઝટ પારખી શકે. રાષ્ટ્રહિત વિશેની તમામ ગુપ્ત વાતો પેટમાં જ રહેવી જોઈએ. તેમનું વાહન મૂષક એટલે જનતા હોવી જોઈએ. જેથી કરના બોજા નીચે લોકો દબાઈ ન જાય.
આ પ્રસંગે માજી શિક્ષણ પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે દેશને પ્રગલ્ભ નેતાની જરૂર છે. તમારું જીવન સુખદાયી બનાવવું હોય, તમારી અપેક્ષા પૂર્ણ થાય એમ ઈચ્છતા હોવ તો એ માટે સારા નેતાની પણ જરૂર છે. લોકશાહી માટે તેજસ્વી, તપસ્વી અને તત્પર તરુણોની જરૂર છે. એટલે તરુણોએ રાજકારણમાં આવવું જોઈએ. રાજકારણની કરીઅર તરીકે પસંદગી કરો.
શુક્રવારે શરૂ થયેલી છાત્ર સંસદ રવિવાર સુધી ચાલશે અને તે પૂણે એમઆઈટીડબ્લ્યુપીયુ કેમ્પસમાં યોજાઈ છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer