હેરપિન અને અૉટો પાર્ટ્સ સહિતની કેટલીક

હેરપિન અને અૉટો પાર્ટ્સ સહિતની કેટલીક
આઇટમ્સ પર જીએસટી ઘટાડવા ફામની માગણી
 
વેપારી પ્રતિનિધિ મંડળે સુધીર મુનગંટ્ટીવારને મળીને આપ્યું આવેદનપત્ર

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની આગામી બેઠકમાં વધુ કેટલીક જન ઉપયોગી ચીજવસ્તુઓ પર જીએસટીના દર ઘટાડવાની માગણી સાથે ફેડરેશન અૉફ અસોસિયેશન અૉફ મહારાષ્ટ્ર (ફામ)નું પ્રતિનિધિ મંડળ આજે મહારાષ્ટ્રના નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારને મળ્યું હતું.
ફામના પ્રમુખ વિનેશ મહેતાના વડપણ હેઠળના આ પ્રતિનિધિ મંડળમાં ફામના મહામંત્રી આશિષ મહેતા, ખજાનચી ડૉ ઉત્તમ જૈન, ફામની ટેક્સેસન કમિટીના ચેરમેન રશેષ દોશી તેમ જ અન્ય હોદેદારો મહારાષ્ટ્ર સરકારમાં કૅબિનેટ પ્રધાનનો દરજ્જો ધરાવતા કોલાબાના વિધાનસભ્ય રાજ કે પુરોહિતને સાથે રાખીને મુનગંટ્ટીવારને મળ્યા હતા અને જીએસટી સંબંધી વેપારી વર્ગની વ્યાજબી માગણીઓનું એક આવેદન પત્ર સુપરત કર્યું હતું. 
`વ્યાપાર' સાથેની વાતચીતમાં વિનેશ મહેતાએ જણાવ્યું હતું કે ફામ તરફથી અમે મુનગંટ્ટીવારને એવી પણ અપીલ કરી હતી કે હવે `એક દેશ એક સમાન કર'ના મંત્ર સાથે જીએસટીનો અમલ શરૂ થઇ ગયો છે તો મહારાષ્ટ્ર સરકારે વેપારીઓ, વકીલો, ડૉક્ટરો તેમ જ નોકરિયાત વર્ગ પાસેથી પ્રોફેશનલ ટેક્સ વસૂલવાનું બંધ કરવું જોઇએ, કેમ કે દેશના મોટા ભાગનાં રાજ્યોમાં પ્રોફેશનલ ટેક્સ વસૂલવાનું બંધ થઇ ગયું છે.
રાજ્યના નાણાપ્રધાનને સુપરત કરેલા આવેદનપત્રમાં ફામ તરફથી તેમના પાંચ સભ્ય વેપારી અસોસિયેશનો અને સંબંધિત બિઝનેસની કેટલીક ચીજ-વસ્તુઓના હાલના જીએસટી રેટ અને તેમાં કેટલી રાહતની અપેક્ષા છે તેની યાદી આપી હતી.
Published on: Sat, 19 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer