સૌરાષ્ટ્રના નાના કારખાનેદારોને મંદીના વમણમાંથી

સૌરાષ્ટ્રના નાના કારખાનેદારોને મંદીના વમણમાંથી
ઉગારવા સુરતથી સસ્તા રફ ડાયમંડ પૂરા પડાશે
 
નાના એકમોને બચાવવા માટે જીજેઈપીસીનો નવતર પ્રયોગ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 14 : રાજ્યમાં 25 લાખથી વધુ લોકોને સીધી રોજગારી પૂરા પાડતો હીરાઉદ્યોગ દિવાળી પહેલાંથી જ મંદીનાં ઓછાયામાં છે. દિવાળી બાદ હજુ પણ સૌરાષ્ટ્રનાં અમરેલી, ભાવનગર, જુનાગઢ અને રાજકોટમાં નાના કારખાના ખુલી શક્યા નથી. આ નાના એકમોને મંદીમાંથી ઉગારવા માટે સુરતી સસ્તાં રફ ડાયમંડ અપાવવા માટે જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે નવતર પ્રયોગ શરૂ કરવાનું બીડું ઝડપ્યું છે, જેમાં રાજ્યભરનાં ડાયમંડ ઍસોસિયેશનનાં નેજા હેઠળ નાના કારખાનેદારોને સુરતથી સસ્તા રફ ડાયમંડ સપ્લાય કરાવવામાં આવશે.
જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં ગુજરાત રિજનનાં ચૅરમૅન દિનેશભાઈ નાવડિયાએ રાજ્યભરનાં ડાયમંડ ઍસોસિયેશનનાં પદાધિકારીઓ સાથે બેઠક યોજીને હીરાઉદ્યોગની પ્રવર્તમાન સ્થિતિની ચર્ચા કરી હતી. સૌરાષ્ટ્રસ્થિત હીરાનાં નાના કારખાનેદારો રફ ડાયમંડની સપ્લાય મળતી ન હોવાથી ધંધો કરી શકતા ન હોવાનું બહાર આવ્યું છે. રફ ડાયમંડનો ભાવ પણ ઊંચો હોવાથી નાના કારખાનેદારો માલ ખરીદી શકતા નથી. એવામાં નાના ધંધાર્થીઓ બેકાર બન્યા છે. દિવાળી બાદ ઘણાં કારખાનો ખુલી શક્યા નથી. ગુજરાતનાં હીરાઉદ્યોગને ટૂંકાગાળાની મંદીની આડ અસરથી બચાવવા માટે સમૂહ પ્રયાસ આદરવાની જરૂર છે. નાણાકીય સંસ્થાઓ હીરાઉદ્યોગને સહયોગ આપવા તૈયાર નથી. એવામાં ઍસોસિયેશનનાં સ્તરે નાના એકમોને સુરતથી સસ્તી રફ ડાયમંડની સપ્લાય થઈ શકે તેવા પ્રયાસો શરૂ કરવા નિર્ણય કરાયો છે. 
સાતથી આઠ હાથ બદલા બાદ ગામડામાં સ્થિત નાના કારખાનેદારોને રફ ડાયમંડ મળે છે. નાના કારખાનેદાર સુધી રફ પહોંચતા સુધીમાં રફની કિંમત વધી જાય છે. અમારી પાસે રાજ્યભરનાં પાલનપુર, જુનાગઢ, ખંભાત, અમરેલી, ભાવનગર સહિતનાં ઍસોસિયેશન તરફથી આ મામલે અનેક વખત ફરિયાદ આવી છે. જીજેઈપીસીનાં માધ્યમથી કોમન ફેસિલિટી સેન્ટર ઊભા થયા છે. તેનાથી અનેક સેન્ટરોને ફાયદો શરૂ થયો છે. પરંતુ, રફની સપ્લાય ધીમી પડતાં કામકાજ અટકી પડયું છે. નાના કારખાનેદારો ડાયમંડ ઍસોસિયેશનનાં માધ્યમથી રફની ખરીદી કરવા માટે ઉત્સુક છે. આ મામલે સુરતમાં નાના રફ ડાયમંડ સપ્લાયર્સ સાથે બેઠક યોજી હતી. જેમાં ઘણાં સપ્લાયર્સે રફ ડાયમંડની સપ્લાય પૂરી પાડવા માટે તૈયારી દર્શાવી છે. જો નાના કારખાનેદારોને નીચી કિંમતે રફ મળતી થશે તો હીરાઉદ્યોગને મોટી રાહત થશે. તેમજ મંદીમાંથી બહાર આવવા મથી રહેલાં હીરાઉદ્યોગને વેગ મળશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer