શૉકિંગ : નાલાસોપારામાં 14 વર્ષના વિદ્યાર્થીએ ફાંસો ખાધો

શૉકિંગ : નાલાસોપારામાં 14 વર્ષના વિદ્યાર્થીએ ફાંસો ખાધો
એ પહેલાં નોટબુકમાં સમય અને સ્થળ લખી રાખ્યા હતા
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : નાલાસોપારામાં આઠમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ નોટબુકમાં આપઘાત કરવાનો સમય અને સ્થળ લખીને આત્મહત્યા કરી છે. તેણે પોતાની સોસાયટીના ગાર્ડનમાના કસરત કરવાના પુલ-અપ્સના લોખંડી રોડને નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઘો હતો.
14 વર્ષના આ વિદ્યાર્થીએ આપઘાત શું કામ કર્યો એ હજી સ્પષ્ટ થયું નથી. જોકે નોટબુકના પાના પર તેણે જે સમય-સ્થળ લખ્યા હતા તે પોલીસને મળ્યા છે. અમુક પાના પર તો તેણે આપઘાત કેમ કરવો તેનું વર્ણન પણ લખ્યું હતું.
આ વિદ્યાર્થી તેના પરિવાર સાથે નાલાસોપારા પૂર્વ વિસ્તારમાં રહે છે. મંગળવારે રાત્રે તેણે આપઘાત કર્યો હતો.
આ સંબંધિત નોટબુક તેના દફતરમાંથી મળી હતી અને એમાનું લખાણ જોઈ બધા અચંબામાં પડી ગયા હતા. એક પાના પર તેણે પંખો અને દોરી દોરી હતી. તો બીજા પાના પર ફાંસો ક્યાં ખાવો એનું સ્થળ એટલે કે સોસાયટીના `એ' વિંગનો ઉલ્લેખ કર્યો હતો.
આત્મહત્યાનો સમય સવારે 9.30 પણ એણે એક ઠેકાણે ટપકાવ્યો હતો. આને લીધે આત્મહત્યાની તેણે સંપૂર્ણ માનસિક તૈયારી કરી લીધી હોવાનું મનાય છે.
Published on: Sat, 19 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer