આજે મમતાની મહારૅલી

આજે મમતાની મહારૅલી
કોલકાતા, તા. 19 : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આજે અહીં યોજેલી ભાજપ-વિરોધી `યુનાઈટેડ ઈન્ડિયા રૅલી'માં વિરોધ પક્ષોનો જમાવડો થવા લાગ્યો છે, જેમાં મોટા ભાગના નોન-એનડીએ પક્ષો સામેલ થશે. એ જોવું રસપ્રદ ઠરશે કે આ રૅલીમાં વિપક્ષી એકતા પર મહોર લાગે છે કે નહીં.
તૃણમૂલ કૉંગ્રેસની આ રૅલી ઐતિહાસિક બ્રિગેડ પરેડ મેદાનમાં યોજાવાની હોઈ તેમાં અખિલેશ યાદવ (એસપી), સતીશ મિશ્રા (બીએસપી), શરદ પવાર (એનસીપી), ચંદ્રાબાબુ નાયડુ (ટીડીપી), એમ. કે. સ્ટાલીન (ડીએમકે), એચ. ડી. દેવેગૌડા અને તેમના પુત્ર કુમારસ્વામી (જેડીએસ), મલ્લિકાર્જુન ખડગે (કૉંગ્રેસ) અરવિંદ કેજરીવાલ (આપ), ફારુક અબ્દુલ્લા (નેશનલ કૉંગ્રેસ) તેજસ્વી યાદવ (આરજેડી), અજીત સિંહ અને જયંત ચૌધરી (આરએલડી), હેમંત સોરેન (જેએમએમ) અને શરદ યાદવ (લોકતાંત્રિક જનતા દળ)એ હાજર રહેવા સહમતી દર્શાવી છે અને મોટા ભાગના નેતા ત્યાં પહોંચી પણ ગયા છે. આ પક્ષોની સાથે ભાજપના બંડખોર નેતા યશવંત સિંહા, શત્રુઘ્ન સિંહા અને અરુણ શૌરી પણ રેલીમાં જોડાવા કોલકાતા જઈ પહોંચ્યા છે જ્યારે બીજુ જનતા દળ (બીજેડી) અને તેલંગણ રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)એ આ રૅલીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તદુપરાંત ડાબેરી પક્ષે પણ તેમાં નહીં જોડાવાનું નક્કી કર્યું છે.
આ રૅલીમાં કેન્દ્રમાં સતારૂઢ નરેન્દ્ર મોદી સરકારને હરાવવાના સંદર્ભમાં મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. જોકે વિરોધ પક્ષો પોતાનો કોઈ સર્વમાન્ય નેતા ચૂંટી કાઢશે કે નહીં એ બાબત હજી સ્પષ્ટ થઈ નથી. જ્યારે કોલકાતા પહોંચેલા અખિલેશ યાદવે જણાવ્યું હતું  કે `દેશ નવા વડા પ્રધાનની રાહ જોઈ રહ્યો છે.'
કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આ રૅલીમાં જોડાયા નથી, પણ તેમણે પોતાના પ્રતિનિધિ તરીકે મલ્લિકાર્જુન ખડગે અને અભિષેક મનુ સિંધવીને મોકલ્યા છે. બીજી તરફ ભાજપે મમતા બેનરજીની આ રૅલીને `સર્કસ' ગણાવી તેની મજાક ઉડાવી હતી. ભાજપ (પ. બંગાળ)ના પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું હતું કે રાજકારણમાંથી નિવૃત્ત થયેલા અને થાકેલા એવા તમામ નેતાઓ આ રૅલીમાં જોડાવાના છે જેમની પોતાનાં જ રાજ્યોમાં ઓળખ ભૂંસાતી જાય છે તેમ જ જેમને જનતાએ નકારી કાઢ્યા છે

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer