નંબર વન હાલેપને હરાવીને સેરેના કવાર્ટર ફાઇનલમાં

નંબર વન હાલેપને હરાવીને સેરેના કવાર્ટર ફાઇનલમાં
અૉસ્ટ્રેલિયન ઓપનમાં નાઓમી ઓસાકા અને કેરોલિના પ્લિસકોવા પણ અંતિમ આઠમાં
 
મેલબોર્ન તા.21 : અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે ઓસ્ટ્રેલિયન ઓપનના ચોથા રાઉન્ડમાં નંબર વન રોમાનિયાની સિમોના હાલેપને હાર આપીને કવાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રવેશ કર્યોં છે. અત્યાર સુધીમાં 23 ગ્રાંડસ્લેમ ટાઇટલ જીતી ચૂકનાર સેરેના વિલિયમ્સે ત્રણ સેટ ચાલેલા મુકાબલાના અંતે સિમોના હાલેપને 6-1, 4-6 અને 6-4થી હાર આપીને ઓસ્ટ્રેલિયન ઓપનની બહાર કરી દીધી હતી. આ સાથે સેરેનાએ તેની મોટી બહેન વિનસની હારનો પણ બદલો લીધો હતો. હાલેપે ત્રીજા રાઉન્ડમાં વિનસને હાર આપી હતી, પણ ચોથા રાઉન્ડમાં સેરેના  સામે તે ખુદ હારી છે. 
સેરેનાએ બે વર્ષ પહેલા અહીં ગર્ભવતી હોવા છતાં તેનો 23મો ગ્રાંડસ્લેમ ખિતાબ જીત્યો હતો.  આ વખતે તેણીને ઓસ્ટ્રેલિયન ઓપનમાં 16મો ક્રમ અપાયો છે. આમ છતાં તે ખિતાબની પ્રબળ દાવેદાર છે. 
મહિલા વિભાગમાં યૂએસ ઓપન વિજેતા જાપાની ખેલાડી નાઓમી આસાકા અને ઝેક ગણરાજયની કેરોલિના પ્લિસકોવા પણ કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. ઓસાકાએ ચોથા રાઉન્ડમાં લાતિવીયાની ખેલાડી અનાસ્તાસિયા સેવાસ્તોવાને 4-6, 6-3 અને 6-4થી હાર આપી હતી. અંતિમ આઠમાં ઓસાકાની ટકકર ઉક્રેનની સ્વિતોલિના સામે થશે. તેણીએ અમેરિકાની મેડિસમ કિઝ સામે 6-2, 1-6 અને 6-1થી જીત મેળવી હતી. આ ઉપરાંત રશિયાની બિનક્રમાંકિત ખેલાડી અનાસ્તાસિયા પાવલુચેંકોવાએ અમેરિકાની પાંચમો ક્રમ ધરાવતી ખેલાડી સ્લોએન સ્ટીફન્સને 6-7, 6-3 અને 6-3થી હાર આપીને બહાર કરી દીધી હતી. પ્લિસકોવોના સ્પેનની મુગુરુજા સામે 6-1 અને 6-3થી વિજય થયો હતો.
Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer