કાલથી કિવિ સામેની વન ડે શ્રેણીનો પ્રારંભ : ધોનીની નજર રેકર્ડ પર

કાલથી કિવિ સામેની વન ડે શ્રેણીનો પ્રારંભ : ધોનીની નજર રેકર્ડ પર
મૅચ બુધવારે સવારે 7-30થી શરૂ થશે: કિવિ ભૂમિ પર ટીમ ઇન્ડિયાનો એક જ શ્રેણીવિજય થયો છે
 
નવી દિલ્હી, તા.21: વર્ષ 2018માં ધોનીના બેટની ધાક ભલે તેની શાખ મુજબની ન રહી હોય, પણ 2019ની શરૂઆત સાથે ધોનીએ ફરી એકવાર ચમકદાર રીતે કરી છે. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં ફીફટીની હેટ્રિક કરી અને શ્રેણીમાં ભારતને જે બે મેચમાં જીત મળી તેમાં હિરો બનીને રહયે. હવે 23મી બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની શ્રેણીનો પહેલો વન ડે મેચ રમાશે. જેમાં ધોનીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાનો મોકો મળશે. ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણી ડ્રો કરનાર અને ટેસ્ટ-વન ડે શ્રેણી જીતનાર કોહલીસેના માટે ન્યુઝીલેન્ડની ટીમનો સામનો તેમની ઘરતી પર કરવો કઠિન બની રહેશે. ભારતીય ટીમ આઈસીસી વન ડે ક્રમાંકમાં બીજા અને કિવિઝ ટીમ ત્રીજા સ્થાને છે. આથી આ ટકકર રોમાંચક બની રહેશે. નેપિયરમાં રમાનાર પહેલો ડે/નાઇટ વન ડે મેચ ભારતીય સમય અનુસાર બુધવારે સવારે 7-30થી શરૂ થશે.
ધોની ન્યુઝીલેન્ડની ધરતી પર અત્યાર સુધી 10 વન ડે મેચ રમી ચૂકયો છે. જેમાં તેણે કુલ 456 રન બનાવ્યા છે. આ મામલે તે હાલ ત્રીજા સ્થાને છે. ધોની જો આ શ્રેણીમાં 197 રન કરશે તો સચિનથી આગળ થઇને પહેલા નંબર પર આવી જશે. સચિને કિવિ ભૂમિ પર 18 વન ડે રમીને ભારત તરફથી સૌથી વધુ 652 રન કર્યાં છે. બીજા સ્થાને સેહવાગ છે. તેણે 12 મેચમાં 598 રન કર્યાં છે. 
ભારતીય ટીમ વર્ષ 1976થી ન્યુઝીલેન્ડની ધરતી પર કુલ સાત દ્રિપક્ષી વન ડે શ્રેણી રમી છે. જે દરમિયાન 1976માં 2-0થી હાર મળી હતી. 1999માં અઝહરના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ શ્રેણી 2-2થી ડ્રો કરી હતી. 2002-03માં ગાંગુલીના સુકાનીપદ હેઠળની ટીમને 2-5થી હાર સહન કરવી પડી હતી.  જ્યારે 2009માં ધોનીની ટીમ અહીં 3-1થી શ્રેણી કબજે કરવામાં સફળ રહી હતી. જો કે ધોનીના સુકાનીપદ હેઠળની જ ભારતીય ટીમને 2014માં 0-4થી સખત હારનો સામનો કરવો પડયો હતો. હવે 2019ના પ્રવાસમાં કોહલીસેનાનો ઇરાદો લડાયક કિવિ ટીમને તેમના ઘરઆંગણે જ પરાજિત કરવાનો છે.
ટીમ ઇન્ડિયા 1600મી ઇન્ટરનેશનલ મૅચ રમશે
ન્યુઝીલેન્ડ સામે બુધવારે રમાનારો પહેલો વન ડે ભારતીય ટીમનો 1600મો આંતરાષ્ટ્રીય મેચ બની રહેશે. 1600 કે તેથી વધુ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમનારો ભારત વિશ્વનો ત્રીજો દેશ બની જશે. આ પહેલા આ સિધ્ધિ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ મેળવી ચૂકયા છે. ભારતે 1932થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની શરૂ કર્યું હતું. તે અત્યાર સુધીમાં 533 ટેસ્ટ મેચ, 956 વન ડે અને 110 ટી-20 મેચ રમ્યું છે. ઓસ્ટ્રેલિયાના નામે કુલ 1854 ઇન્ટરનેશનલ મેચ અને ઇંગ્લેન્ડના નામે 1833 મેચ છે.
Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer