અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 21 : અમેરિકા સતત વ્યાજદર વધારાનો ક્રમ તોડશે તેવા ભયને લીધે સોનામાં સલામત રોકાણ માટેની માગ ચાલુ રહેતા ન્યૂ યોર્કમાં 1279 ડૉલરના સ્તરે ભાવ મક્કમ બોલાતો હતો. ઇન્ટ્રા ડેમાં સોનું 1282 ડૉલર થયું હતું. ફેડ દ્વારા આર્થિક વિકાસ-વ્યાજદર અંગે થતા નિરાશાજનક નિવેદનોને લીધે ડૉલરની વધઘટ નિશ્ચિત રેન્જમાં આવી ગઇ છે. એ કારણે સોનાને મદદ મળી રહી છે. બીજી તરફ ઇક્વિટી માર્કેટમાં મંદીની ચાલ છે એ કારણે પણ સોનાને ટેકો છે.
2019ના વર્ષની ફેડની પ્રથમ નાણાનીતિ બે અઠવાડિયા પછી મળવાની છે. એમાં વ્યાજદર વધારાની સાઇકલ અટકાવાય તેવા નિવેદનો આવવાનો ભય છે. ડિસેમ્બરમાં વ્યાજદર વધ્યા પછી હવે કદાચ વધશે નહીં પરંતુ ભાવિ સંકેતો મહત્ત્વના બનશે. વૈશ્વિક સ્તરે ઘટતો આર્થિક વિકાસ અને સ્ટોક માર્કેટની મંદી ઉપરાંત અમેરિકી સરકારના કેટલાક વિભાગોમાં શટડાઉનના કારણે ગ્રાહકોનો આત્મવિશ્વાસ તૂટી રહ્યો છે એટલે ઇક્વિટીમાં મંદી છે. રોકાણકારો સલામત સોનાને અપનાવવા લાગ્યા છે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 20ના મામૂલી ઘટાડામાં રૂા. 33,030 હતો. મુંબઈમાં રૂા. 80ના ઘટાડામાં રૂા. 32,320 હતો. ન્યૂ યોર્કમાં ચાંદી 15.21 ડૉલર પ્રતિ ઔંસ હતી. રાજકોટમાં એક કિલોએ રૂા. 150 વધીને રૂા. 39,300 હતી. મુંબઈ ચાંદી રૂા. 465ના કડાકામાં રૂા. 38,640 રહી હતી.
સલામત રોકાણની માગથી સોનામાં મજબૂતી
