રાહુલ ગાંધી નાંદેડમાંથી પણ ચૂંટણી લડે એવી શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં અમેઠી, મહારાષ્ટ્રમાં નાંદેડ અથવા મધ્ય પ્રદેશમાંથી ચૂંટણી લડે એવી શક્યતા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ગઈ ચૂંટણી વારાણસી અને વડોદરાથી લડયા હતા એ રીતે રાહુલ ગાંધી આ વખતે બે મતવિસ્તારોમાંથી ચૂંટણી લડે એવી સંભાવના છે.
લોકસભાની ગઈ ચૂંટણીમાં મોદીતરફી જુવાળમાં કૉંગ્રેસના અનેક નેતાઓએ પરાજય ખમવો પડયો હતો, પરંતુ નાંદેડવાસીઓએ અશોક ચવ્હાણને વિજય અપાવ્યો હતો એથી નાંદેડની બેઠકને કૉંગ્રેસ માટે સલામત ગણવામાં આવે છે.
ભારતમાં કાયદા મુજબ કોઈ ઉમેદવાર લોકસભાના બે મતવિસ્તારમાંથી ચૂંટણી લડી શકે છે. આ વખતે કૉંગ્રેસ તરફથી વડા પ્રધાનપદ માટેના દાવેદાર રાહુલ ગાંધી બે મતવિસ્તારમાંથી ચૂંટણી લડી શકે છે.
ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી કૉંગ્રેસની પરંપરાગત અમેઠીની બેઠક પર ઊભા રહેવાના છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ રાયબરેલીની બેઠક સોનિયા ગાંધી માટે અને અમેઠીની બેઠક રાહુલ ગાંધી માટે છોડી દેવાનો નિર્ણય લીધો છે. ભાજપ રાહુલ સામે અમેઠીમાં કાપડ ઉદ્યોગ પ્રધાન સ્મૃતિ ઈરાનીને ઊભાં રાખી શકે છે એથી રાહુલ સામે સક્ષમ પડકાર ઊભો થઈ શકે છે.
લોકસભાની બેઠકોની સંખ્યાની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ પછી મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. રાહુલને મહારાષ્ટ્રમાંથી ઊભા રાખવામાં આવે તો રાજ્યના કૉંગ્રેસીઓમાં ઉત્સાહ અને ચેતનાનો સંચાર થઈ શકે. નાંદેડના ધાર્મિક મહત્ત્વનો સીધો સંબંધ પંજાબ સાથે છે.
અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં નાંદેડ લોકસભાની બેઠક પર કૉંગ્રેસના અશોક ચવ્હાણ ભાજપ સામે 82,000 મતોની સરસાઈથી જીત્યા હતા.
Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer