પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 21 : કોલકાતામાં તૃણમૂલ કૉંગ્રેસના પ્રમુખ અને પ. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની આગેવાની હેઠળ તાજેતરમાં યોજાયેલી વિપક્ષોની મહારૅલીને કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ ડરેલા નેતાઓનું અવસરવાદી ગઠબંધન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખરેખર જનતામાં લોકપ્રિય રહ્યા નથી તો આ મહાગઠબંધનની જરૂર કેમ પડી?
બીમારીના ઇલાજ માટે વિદેશ ગયેલા અરુણ જેટલીએ બ્લોગ દ્વારા વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ ચૂંટણીમાં નકારાત્મક ચૂંટણીપ્રચારને ક્યારે પણ સફળતા મળી નથી. આવી જ રીતે 1971માં વિપક્ષોએ સરકારની વિરુદ્ધમાં માત્ર શાસક પક્ષને હટાવવા આવું જ રાજકારણ કર્યું હતું. પરંતુ વિપક્ષો ખરાબ રીતે હારી ગયા હતા. શું ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે? શું 2019માં 1971 જેવું પરિણામ આવશે? જેટલીએ જણાવ્યું હતું કે, આ મહાગઠબંધન અવસરવાદી લોકોનું ગઠબંધન છે જે ચૂંટણીના ગણિતનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિપક્ષો મોદી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કરી રહ્યા છે અને ચૂંટણીના ગણિતનો લાભ લેવાની કોશિષ કરી રહ્યા છે.
અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, આ મહારૅલીમાં રાહુલ ગાંધી, માયાવતી અને કેસીઆર જેવા લોકો સામેલ થયાં ન હતાં.
જેટલીના જણાવ્યા પ્રમાણે આગામી ચૂંટણીમાં મોટા ભાગનાં રાજ્યોમાં ત્રિકોણીય જંગના આસાર દેખાઈ રહ્યા છે. ભાજપ અને એનડીએ એ 50 ટકાથી વધુ મતો હાંસલ કરવાની રણનીતિ પર કામ કરવું જોઈએ.