શિવાજી પાર્કમાં ઠાકરેના સ્મારકનું ભૂમિપૂજન આવતી કાલે?

મુંબઈ, તા. 21 : આગામી લોકસભાની ચૂંટણી માટે શિવસેના-ભાજપ યુતિની ચર્ચા શરૂ થતાં પૂર્વે શિવાજી પાર્ક ખાતે શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેના સ્મારકનું ભૂમિપૂજન થવાની શક્યતા દર્શાવાઈ રહી છે. બાળ ઠાકરેના જન્મદિવસનું ઔચિત્ય સાધીને 23 જાન્યુઆરીએ બુધવારે તેમના સ્મારકનું ભૂમિપૂજન થઈ શકે છે.
શિવાજી પાર્ક ખાતે આવેલા મેયરના બંગલામાં બાળ ઠાકરેનું સ્મારક ઊભું કરાશે. એ સ્મારકના ભૂમિપૂજન સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે એવી શિવસેનાની ઇચ્છા હતી, પરંતુ નરેન્દ્ર મોદી મુંબઈ આવી ન શકતા હોવા છતાં તેમની ગેરહાજરીમાં આ સમારંભ યોજાવાની શક્યતા છે. યુતિના ઉગ્ર બની રહેલા સંબંધોમાં બાળ ઠાકરેનું સ્મારક બળતામાં ઘી હોમવાનું કામ કરી શકે છે,એટલે આવતી ચૂંટણીઓમાં યુતિની ચર્ચા થતાં પહેલાં આ સ્મારકનું ભૂમિપૂજન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આટોપાઈ જવાની શક્યતા છે.
ઘટનાક્રમ
* 2014માં બાળ ઠાકરેના સ્મારકની જગ્યા નક્કી કરવા માટે સરકારે સમિતિ નિયુક્ત કરી. 
* 2015માં સ્મારક માટે મેયરના બંગલાની જગ્યા આપવાની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી.
* 2017ની 27 ફેબ્રુઆરીએ મેયરના બંગલામાં સ્મારક રચવાની સુધાર સમિતિએ પરવાનગી આપી હતી. 
* 2018ની 6 નવેમ્બરે મેયરના બંગલાનું સ્મારક ન્યાસને હસ્તાંતર થયું હતું. 
* 2018ની 28 ડિસેમ્બરે સ્મારક માટે મેયરના બંગલાની જગ્યાનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
શિવાજી પાર્કના દરિયાકિનારે 1928માં બંધાયેલો બંગલો મહાપાલિકાએ 1962માં ખરીદ્યો હતો. તત્કાલીન મેયર ડૉ. બી. પી. દેવગી એ બંગલામાં રહેતા હતા. ત્યાર બાદ 1964-'65થી અધિકૃત મેયરના નિવાસસ્થાન તરીકે બંગલો વપરાતો હતો. એ બંગલામાં ઘણી ફિલ્મોનાં શૂટિંગ પણ થયાં હતાં. 
Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer