સિદ્ધગંગા મઠના મઠાધીશ શિવકુમાર સ્વામીનું જૈફ વયે નિધન

સિદ્ધગંગા મઠના મઠાધીશ શિવકુમાર સ્વામીનું જૈફ વયે નિધન
આજે અંતિમ સંસ્કાર, ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરતું કર્ણાટક
 
બેંગલુરુ, તા.21: કર્ણાટકના ટુમકુરુમાંના સિદ્ધગંગા મઠના મઠાધીશ શિવકુમાર સ્વામી (111)આજે બપોરે 11 કલાકે નિધન થયુ હતુ. થોડા દિવસથી તેઓ ફેફસાંને ચેપ લાગ્યાની બીમારી સામે ઝૂઝી રહ્યા હતા. કાલે સાંજે 4 કલાકે તેમના અંતિમ સંસ્કાર થશે એમ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ જણાવ્યું હતું. તેમના દેહાંતની ખબર મળતાં સીએમ, બીએસ યેદીયુરપ્પા, સદાનંદ ગોવડા વ.નેતાઆ તેમના રાબેતાના કાર્યક્રમો રદ કરી મઠ ખાતે  સદગતના અંતિમ દર્શનાર્થે ધસી ગયા હતા. સદગતના માનમાં 3 દિવસનો રાજય સરકારે રાજકીય શોક અને શાળા-કોલેજો, સરકારી કચેરીઓમાં 1 દિવસની રજા જાહેર કર્યા છે. રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને સ્વ.ને અંજલિ આપી હતી. લીવર બાયપાસની શત્રક્રિયા બાદ ફેફસાંને ચેપ લાગ્યો હતો અને વેન્ટીલેટર પર રખાયા હતા. તેમની સારવાર કરનાર તબીબ ડો.પરમેશ્વરે અનુયાયીઓને આ તકે શાંત રહેવા અપીલ કરી હતી.  તંત્રે મઠ ફરતે સુરક્ષા સઘન બનાવી છે.
લિગાયત-વીરશૈવ સંપ્રદાયમાં અત્યંત આદરણીય રહેલા સ્વામીજી `વોકિંગ ગોડ' તરીકે ઓળખાતા.  આદર્શ માતા અને આદર્શ શિક્ષક જ સમાજને ગર્તામાં જતો બચાવી શકે તેમ દૃઢપણે માનતા અને શિક્ષણ એ આજની પેઢીએ આવનારી પેઢીને ચૂકવવાનુ ઋણ છે એમ કહેતા સ્વામીજીએ '63માં સિદ્ધગંગા એજયુ. ટ્રસ્ટ સ્થાપ્યું, જેના નેજા હેઠળ અનેક પ્રા.અને મા. શાળાઓ, પ્રજ્ઞાચક્ષુઓની શાળા, કળા/વિજ્ઞાન/ વિનયન શાખાની તથા ફાર્મસીની, ઈજનેરી અને, ટીચર ટ્રેનિંગની કોલેજો ચાલી રહી છે. તેઓ સંસ્કૃત, કન્નડ અને અંગ્રેજી ભાષાનું અગાધ જ્ઞાન ધરાવતા. તેમણે બજાવેલી માનવતાવાદી સેવાઓ બદલ કર્ણાટક યુનિ.એ તેમને ડિ. લિટ.ની માનદ ઉપાધિથી અને સામાજિક સેવાઓની કદરરૂપે શતાબ્દિવર્ષ '07માં રાજ્યે `કર્ણાટક રત્ન' એવોર્ડથી સમ્માનિત કર્યા હતા.
અંજલિઓ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે અધ્યાત્મ ગુરુ ડો. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીગલુજીના નિધન વિશે જાણી ખેદ અનુભવું છુ. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સમાજને તેમણે ભરપૂર પ્રદાન કર્યુ હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે સિદ્ધગંગા મઠની મુલાકાત લેવાનું અને હિઝ હોલીનેસ ડો. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીગલુના આશીર્વાદ લેવાનુ સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. બહોળા ફલકની તેમની સમાજસેવાઓ અપ્રતિમ હતી અને અકલ્પનીય માત્રાની હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer