ચૂંટણી પંચ કહે છે, ઈવીએમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે

ચૂંટણી પંચ કહે છે, ઈવીએમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે
કપિલ સિબલની હાજરીમાં અમેરિકી હેકરનો 2014 ચૂંટણીમાં ઘાલમેલનો દાવો
 
હેકરનો દાવો : ઈવીએમની ગરબડનો ખુલાસો ન કરે તે માટે ગોપીનાથ મુંડે અને પત્રકાર ગૌરી લંકેશની હત્યા કરાઈ
 
લંડન, તા.21: પ્રત્યેક ચૂંટણી પછી ઈવીએમમાં છેડછાડનાં દાવા-આક્ષેપો અને પછી ચૂંટણીપંચનાં સબસલામતનાં ખુલાસા ભારત માટે નિયમિત ઘટનાક્રમો બની ગયા છે. લોકસભા ચૂંટણીને હવે ત્રણેક માસનો સમય આડો છે અને ફરી એકવાર વિપક્ષી દળોએ ઈવીએમ સામે અત્યારથી જ વાંધા પણ ઉઠાવ્યા છે ત્યારે લંડનમાં વિડીયો કોન્ફરન્સીંગથી પત્રકાર પરિષદ યોજીને અમેરિકાનાં એક નિષ્ણાત હેકર સૈયદ શુજાએ ભારતની ચૂંટણીમાં વપરાતા ઈવીએમ હેક થઈ શકતા હોવાના પ્રયોગ કરવાં સાથે સનસનીખેજ દાવા સાથે ગંભીર આક્ષેપો કરીને હાહાકાર મચાવી દીધો છે. આટલું જ નહીં તેનો દાવો છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં પણ ઈવીએમ સાથે છેડછાડ થઈ હતી. તેણે વધુ ધડાકા કરતાં આગળ કહ્યું હતું કે ગોપીનાથ મુંડે ઈવીએમ હેકિંગથી વાકેફ હોવાનાં કારણે જ તેમની હત્યા થઈ હતી અને પત્રકાર ગૌરી લંકેશ પોતાનાં અખબારમાં હેકિંગ સંભવ હોવાનાં અહેવાલ પ્રસિદ્ધ કરવાં તૈયાર થયા હતાં પણ એ પહેલા જ તેની હત્યા કરી નાખવામાં આવી.
ચૂંટણી પંચે દાવો કરનાર સામે પગલાં લેવાની વાત કરી!
અમેરિકાનાં સ્વઘોષિત નિષ્ણાતે હેકિંગનો દાવો કર્યા બાદ ચૂંટણીપંચે ફરી એકવાર ઈવીએમ હેકિંગપ્રુફ હોવાનો દાવો દોહરાવ્યો હતો અને કહ્યું હતું કે લંડનમાં યોજવામાં આવેલી આ પત્રકાર પરિષદ સામે કેવા કાનૂની પગલાં લઈ શકાય તેમ છે તે વિકલ્પો વિચારવામાં આવી રહ્યા છે.
શુજાએ આ કોન્ફરન્સમાં એવું પણ જણાવ્યું હતું કે તેણે ચૂંટણીપંચથી લઈને રાજકીય પક્ષોને પણ હાજરી આપવા માટે કહેલું પણ માત્ર કોંગ્રેસનાં નેતા કપિલ સિબલ આમાં હાજરી આપવા આવ્યા હતાં.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer