સિદ્ધિવિનાયક મંદિર અને BMC મળીને દાદરમાં હૉસ્પિટલ સ્થાપશે

મુંબઈ, તા. 22 : પ્રતિ વર્ષ પાલિકાની હૉસ્પિટલોને સાધનસામગ્રી પૂરી પાડવા અને ગરીબ દરદીઓનાં મેડિકલ બિલ ચૂકવવા માટે લાખો રૂપિયા ખર્ચતું સિદ્ધિવિનાયક મંદિર હવે પોતાની માલિકીની હૉસ્પિટલ ચલાવવા સજ્જ થઈ રહ્યું છે. શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ ટેમ્પલ ટ્રસ્ટ બીએમસી સાથે મળીને દાદરમાં અનેક સાધનસામગ્રીથી સજ્જ એવી હૉસ્પિટલ સ્થાપવા ધારે છે. બીએમસી ગોખલે રોડ પરના એક જમીનના પ્લોટ પર હૉસ્પિટલ બાંધશે અને પછી તેનો વહીવટ ટ્રસ્ટને સોંપશે.
ગઈકાલે બીએમસી અને સિદ્ધિવિનાયક ટ્રસ્ટે આ યોજના હોવાની વાતને સમર્થન આપ્યું છે. શિવસેનાનાં નગરસભ્ય અને ટ્રસ્ટનાં સભ્ય વિશાખા રાઉતે કહ્યું હતું કે આ હૉસ્પિટલ દાદર અને પ્રભાદેવીના લોકોને સેવા આપશે. મહાનગરપાલિકાના કમિશનર અજોય મહેતાએ કહ્યું હતું કે બીએમસી આ દરખાસ્ત પરત્વે સક્રિયપણે વિચારી રહી છે, તો શિવસેનાના આગેવાન આદેશ બાંદેકરે કહ્યું કે હૉસ્પિટલ `ફાઈવ સ્ટાર' જેવી સવલતો ધરાવતી હશે અને તેના ચાર્જિસ પાલિકાની હૉસ્પિટલ જેવા જ હશે.
જો આ હૉસ્પિટલ બંધાશે તો દાદરના જ નહીં મુંબઈના લોકોને પણ તે પરવડી શકશે.

Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer