કિવિઝ મહિલા ટીમનો અંતિમ દડે રોમાંચક વિજય

કિવિઝ મહિલા ટીમનો અંતિમ દડે રોમાંચક વિજય
ભારત સામેની ટી-20 શ્રેણી 2-0થી કબજે કરી: જેમિમાની 72 રનની ઇનિંગ બેકાર
ઓકલેન્ડ, તા.8: આખરી દડા સુધીની રોમાંચક ટક્કર બાદ ન્યુઝિલેન્ડની મહિલા ટીમે ભારતીય મહિલા ટીમ સામેનો બીજો ટી-20 મેચમાં 4 વિકેટે જીત મેળવીને ત્રણ મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી કબજે કરી હતી. ભારતીય મહિલા ટીમે 20 ઓવરના અંતે 6 વિકેટે 13પ રન કર્યા હતા. રસાકસી બાદ કિવિ મહિલા ટીમે મેચના આખરી દડા પર 6 વિકેટે 136 રન કરીને જીત મેળવી હતી. આખરી ઓવરમાં કિવિ ટીમને જીત માટે 9 રનની જરૂર હતી. માનસી જોશીની આખરી ઓવરના પહેલા દડે કેટી માર્ટિને ચોક્કો લગાવ્યો હતો. જો કે બીજા દડે તે આઉટ થઇ હતી. ત્રીજા દડામાં બે રન અને એ પછીના અંતિમ ત્રણ દડામાં એક-એક રન કરીને કિવિઝે રોમાંચક જીત મેળવી હતી.
 ન્યુઝિલેન્ડ તરફથી ઓપનર સૂઝી બેટ્સે સૌથી 62 રન બાવન દડામાં પ ચોક્કાથી કર્યા હતા. આ પહેલા ભારતીય મહિલા ટીમે યુવા બેટ્સવુમન જેમિમા રોડ્રિગ્સના પ3 દડામાં 6 ચોક્કા અને 1 છક્કાથી 72 અને સ્મૃતિ મંધાનાના 27 દડામાં 3 ચોક્કા અને 1 છક્કાથી 36 રનની મદદથી 6 વિકેટે 13પ રન કર્યા હતા. સ્મૃતિ અને જેમિમા વચ્ચે બીજી વિકેટમાં 69  રનની ભાગીદારી થઇ હતી. સુકાની હરમનપ્રિત (પ)ની બાકીની ભારતીય બેટ્સવુમન નિષ્ફળ રહી હતી. ન્યુઝિલેન્ડ તરફથી રોસમેરીએ બે વિકેટ લીધી હતી. બન્ને ટીમ વચ્ચેનો ત્રીજો અને આખરી ટી-20 મેચ હેમિલ્ટનમાં રવિવારે રમાશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer