યુપીએસસી પરીક્ષામાં નાપાસ તો પણ નોકરી !

કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા સરકારને અન્ય નોકરી આપવા માટે કરાઈ ભલામણ
નવી દિલ્હી, તા. 10 : કેન્દ્રીય જાહેર સેવા આયોગ (યુપીએસસી)ની પરીક્ષા સૌથી કઠિન કસોટીઓમાંની એક ગણાય છે. રાત-દિવસની મહેનત બાદ છાત્રો પહેલા બે કોઠા પાર કરી જાય છે, પણ ઇન્ટરવ્યૂની અગ્નિપરીક્ષામાંથી બે તૃતીયાંશ ઉમેદવારો પસાર થઇ શકતા નથી પરંતુ હવેથી ઇન્ટરવ્યૂમાં ફેલ થનાર ઉમેદવારોને બીજી સરકારી નોકરી અપાશે.
યુપીએસસી દ્વારા નવા નિયમ લાવવાની યોજના હાથ ધરાઇ રહી છે, જેમાં કેન્દ્રીય મંત્રાલયો, એજન્સીઓને ઇન્ટરવ્યૂમાં સફળ નહીં થતા ઉમેદવારોની ભરતી કરવાની ભલામણ કરાઇ છે.
એક અહેવાલ અનુસાર યુપીએસસીના અધ્યક્ષ અરવિંદ સક્સેનાએ જણાવ્યું હતું કે, અમે કેન્દ્ર સરકાર અને મંત્રાલયોને એવા ઉમેદવારોની ભરતી કરવા અપીલ કરી છે જે અમારી ઇન્ટરવ્યૂની કસોટીમાં સફળ થઇ શકતા નથી.
એક વરસમાં લગભગ 11 લાખ ઉમેદવારો યુપીએસસીની પરીક્ષા આપે છે, જેમાંથી કસોટીના ત્રણ કોઠા પસાર કરનાર માત્ર 600 ઉમેદવારની પસંદગી થાય છે.
વધુમાં એવા છાત્રો પણ મોટી સંખ્યામાં છે જે વાઇવાનાં ચરણ સુધી પહોંચી તો જાય છે પરંતુ રેન્ક લાવવામાં સફળ થતા નથી.
આવા ઉમેદવારો કઠિન કસોટીની પ્રક્રિયામાંથી પસાર થઇ ચૂક્યા છે અને અંતિમ ચરણ સુધી પહોંચી શક્યા હોય છે, એ ધ્યાને લેતાં તેવા ઉમેદવારોને સરકાર અન્ય નોકરીઓ માટે અગ્રતા આપે તેવી ભલામણ કરાઇ છે.
યુપીએસસીની આ ભલામણ સ્વીકારાય તો દેશના મોટી સંખ્યામાં તેજસ્વી, મહેનતુ, મહત્ત્વકાંક્ષી યુવાનો માટે રોજગારની મોટી તકોના દ્વાર ખૂલી જશે

Published on: Mon, 11 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer