મહિલા ટીમનાં 0-3થી સૂપડાં સાફ

આખરી ટી-20માં કિવિઝ ટીમનો  બે રને રોમાંચક વિજય : સ્મૃતિની 86 રનની ઇનિંગ ભારતને જીત અપાવી શકી નહીં
ન્યૂ ઝીલૅન્ડ 20 ઓવર: 7/161 ભારત 20 ઓવર: 4/1પ9 
હેમિલ્ટન તા.10: ઓપનર સ્મૃતિ મંધાનાની 86 રનની આક્રમક ઇનિંગ છતાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ન્યુઝીલેન્ડ વિરૂધ્ધના ત્રીજા અને આખરી ટી-20 મેચમાં રસાકસી બાદ માત્ર બે રને હાર સહન કરવી પડી હતી. આથી કિવિ ટીમે ભારતીય મહિલા ટીમનો 3-0થી સફાયો કર્યોં હતો. કિવિ મહિલા ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 161 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય મહિલા ટીમ 20 ઓવરના અંતે 4 વિકેટે 1પ9 રને અટકી હતી. 
સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર આતશી બેટિંગ કરીને તેની આઠમી ફીફટી માત્ર 33 દડામાં પૂરી કરી હતી. જો કે તે ટી-20ની તેની પહેલી સદી ચૂકીને 62 દડામાં 12 ચોકકા અને 1 છકકાથી 86 રને અણીના સમયે કેચ આઉટ થઇ હતી. આથી મેચની સ્થિતિ પલટાઇ હતી. સ્મૃતિની વિકેટ પડી ત્યારે ભારતના 4 વિકેટે 123 રન થયા હતા. આ પછી ટી-20માં વાપસી કરનાર અનુભવી મિતાલી રાજે 20 દડામાં 3 ચોકકાથી 24 અને દીપ્તિ શર્માએ 16 દડામાં 21 રનની ઇનિંગ રમી હતી, પણ ભારતીય મહિલા ટીમે 162 રનનો વિજય લક્ષ્યાંક આંબી શકી ન હતી અને 1પ9 રને અટકી હતી. આખરી ઓવરમાં જીત માટે 16 રનની જરૂર હતી, પણ 13 રન થયા હતા. જેમિમા 21 અને સુકાની હરમનપ્રિત 2 રને આઉટ થયા હતા.
આ પહેલા કિવિ મહિલા ટીમ તરફથી ઓપનર સોફી ડિવાઇસે પ2 દડામાં 72, સૂઝી બેટસના 24 અને એમી સેટર્થવટના 31 રનથી 20 ઓવરમાં 7 વિકેટે 161 રન કર્યાં હતા. ભારત તરફથી દીપ્તિ શર્માને બે વિકેટ મળી હતી.

Published on: Mon, 11 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer