રેલવે પરિસરમાં કચરો ફેંકનારાઓ કે ગંદકી કરનારાઓ વિરુદ્ધ થશે કાનૂની કાર્યવાહી

મુંબઈ, તા. 10 : રેલવેના સ્ટેશન વિસ્તાર અને પાટાઓને સતત ચોખ્ખાંચણક રાખવાના પ્રયાસ છતાં બેદરકાર અને આળસુ લોકોને લીધે રેલવેને ગંદકીનું `કલંક' લાગી રહ્યું છે. એ સંદર્ભે મધ્ય રેલવે હવે ટ્રૅક પર ગંદકી ફેંકનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરશે.
મધ્ય રેલવેની હાર્બર લાઇન અને મેઇન લાઇનના પાટા પર સીએસએમટી (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ)થી સૅન્ડહર્સ્ટ રોડ વચ્ચે રેલવેએ અનેક વાર પ્રયાસ કર્યા છતાં સાફસફાઈ રહેતી નથી. કેમ કે પાટાને અડીને આવેલાં બિલ્ડિંગો રેલવે-ટ્રૅક પર ઘરનો કચરો ફેંકી દે છે અને તેમનાં બાથરૂમનાં ગંદા પાણી પણ પાટા પર છોડી દે છે. સીએસએમટીથી સૅન્ડહર્સ્ટ રોડ, શિવડીથી માનખુર્દ વચ્ચે તથા કિંગ્સ સર્કલથી માહિમ વચ્ચે ખાસ્સી ગંદકી લોકો પાટા પર ઠાલવી દે છે.
અનેક લોકો પાટા પરની ગંદકી અને કચરો હટાવવાની સૂચના ટ્વિટર અને અન્ય માધ્યમથી રેલવેને આપતા રહે છે. રેલવેને સતત ફરિયાદ કરતા રહેતા રેલવે-પ્રવાસી ધર્મેશ બરઈએ કહ્યું કે `હું રેલવેને સતત ફોટો સાથે રેલવેને ગંદકી વિશે ફરિયાદ કરતો રહું છું. મેં એ સંદર્ભે લેટર પણ લખ્યા છે, પણ ગંદકી હટવાનું નામ લેતી નથી. વધુપડતી ફરિયાદ થાય તો કચરો ત્યાંથી ઉપાડીને કોથળીઓમાં ભરી દેવામાં આવે છે અને અન્ય ઠેકાણે ઠાલવી દેવાય છે. રેલવેએ એ માટે ચાંપતાં પગલાં ભરીને આનો ઉકેલ લાવવાની જરૂર છે. નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનું દરેકે પાલન કરવું જરૂરી છે.'
સોમવારથી એ ઇમારતો તથા પાટા નજીકનાં ઝૂંપડાંમાં રહેનારાઓ પર મહાનગરપાલિકા અને રેલવે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરશે. પ્રશાસન, જનપ્રતિનિધિ અને જનતા એ ત્રણેય રેલવે પરિસરમાં ગંદકી માટેના જવાબદાર છે.
મધ્ય રેલવેના એસ. કે. જૈને કહ્યું કે `હંમેશાં સાફસફાઈ રાખવી એ અમારી પ્રાથમિકતા છે. અમે જાણીએ છીએ કે અમુક જગ્યાએ લોકો આળસાઈને લીધે કે બેદરકારીપૂર્વક કચરો પાટા પર ફેંકી દે છે. ખાસ કરીને પાટા નજીકનાં ઝૂંપડાં અને મકાનોમાંથી લોકો સીધા પાટા પર કચરો પધરાવી દે છે. હવે આવા લોકોને શોધી કાઢીને કે તેમના પર વૉચ રાખીને તેમની વિરુદ્ધ એફઆઇઆર નોંધવાની ફરજ રેલવેને પડશે. આવા લોકો વિરુદ્ધ ચાંપતાં પગલાં ભરીને કાર્યવાહી ચલાવવામાં આવશે.'

Published on: Mon, 11 Feb 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer