તળોજાની જેલમાં રેડિયો સ્ટેશન ચલાવતા કેદી

સંગીત કેદીઓની તાણ ઘટાડે છે : જેલ સુપરિન્ટેન્ડન્ટ
મુંબઈ, તા. 10 : મુંબઈ મેટ્રોપોલિટન રિજનના નવી મુંબઈની તળોજા સેન્ટ્રલ જેલમાં ત્રણ કેદીઓ જેલ રેડિયો સ્ટેશન ચલાવી રહ્યા છે. જે આ વિસ્તારની જેલોમાં આવા પ્રકારનું પ્રથમ રેડિયો સ્ટેશન છે.
બપોરના બરાબર 12 વાગ્યે પાર્શ્વગાયક કિશોરકુમારનું હીટ ગીત `િઝંદગી એક સફર હૈ સુહાના' જેલની પ્રત્યેક કોટડીમાં ગોઠવાયેલા લાઉડસ્પીકર્સમાં વાગવા લાગે છે અને કેદી શ્રોતાને આ રેડિયો દ્વારા જાણ કરવામાં આવે છે કે આજની `થીમ' `િઝંદગી' છે.
તળોજા સેન્ટ્રલ જેલના આ રેડિયો સ્ટેશનના જોકી સાદિક જિંદગીની ફિલસૂફી રજૂ કરતાં કેદીઓને સંબોધીને કહે છે કે આપણા જીવનમાં ખરાબ સમય આવ્યો હતો પરંતુ તે કાયમી નથી. `સંગીત આત્મા સુધી પહોંચે છે અને તે કેદીઓને તેમની તાણ ઘટાડવામાં મદદ કરે છે' એમ જેલ સુપરિન્ટેન્ડેન્ટ કૌસ્તુભ કુરલેકરે જણાવ્યું હતું. 
અમે ઘણા વખતથી એવું વિચારતા હતા કે કેદીઓ દ્વારા સંચાલિત રેડિયો સ્ટેશન જેલમાં ઊભું કરીએ, પરંતુ અમને ટેક્નિકલ મદદની જરૂર હતી. નવી મુંબઈના એક એનજીઓએ મદદ કરવાની તૈયારી બતાવી હતી અને તેણે મિક્સર્સ, લેપટોપ અને માઈક્રોફોન પૂરાં પાડયાં હતાં. તેમણે કેદીઓને તાલીમ આપવા એક સાઉન્ડ એન્જિનિયરનો પણ બંદોબસ્ત કરી આપ્યો હતો, એમ કુરલેકરે જણાવ્યું હતું.
રેડિયો જોકી, પટકથા લેખક અને સિસ્ટમ ઓપરેટરની ત્રણ જણની ટીમ દરરોજ બપોરના 12થી 1 વાગ્યા સુધી સંગીતનો આ કાર્યક્રમ રજૂ કરે છે. ત્રણ કેદીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે.
આ કાર્યક્રમનો કન્ટેન્ટ અગાઉથી રેકોર્ડ કરી લેવામાં આવે છે અને અમે તેને જોયા બાદ તેનું પ્રસારણ કરીએ છીએ એમ જેલના એક અધિકારીએ જણાવ્યું હતું.
ત્રણેય કેદીઓ આ કામ માત્ર બે સપ્તાહમાં શીખી ગયા હતા. 70 હજાર જેટલા જૂનાં હિન્દી ફિલ્મી ગીતોના ડેટાબેઝમાંથી ગીતોની પસંદગી કરવામાં આવે છે. જિંદગી, પ્રેમ, ખુશી જેવા વિષયો પસંદ કરવામાં આવે છે અને પટકથા લેખક આર જે માટે પટકથા તૈયાર કરે છે.
પુણેની યરવડા જેલમાં પણ આવું રેડિયો સ્ટેશન ચલાવવામાં આવે છે જેમાં એક વખત કેદી રહી ચૂકેલા અભિનેતા સંજય દત્તે રેડિયો જોકી તરીકેની ભૂમિકા ભજવી હતી.
 

Published on: Mon, 11 Feb 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer