અમોલ પાલેકરે સરકારની ટીકા કરી એટલે તેમનું ભાષણ અધવચ્ચે અટકાવી દેવાયું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : સરકાર પર ટીકા કરવાના કારણસર જયેષ્ઠ અભિનેતા અમોલ પાલેકરે પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવવું પડયું હતું. જોકે આ અપમાનભર્યા બનાવ બદલ અમોલ પાલેકરે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં કહ્યું છે કે `પ્રભાકર બર્વે નામના ચિત્રકારના પ્રદર્શન માટે હું શનિવારે નૅશનલ ગૅલરી અૉફ આર્ટમાં ગયો હતો. એ વખતે મારે શું બોલવું કે શું ન બોલવું એ મારો મુદ્દો હતો. જોકે હું તો આર્ટ ગૅલરી વિશે બોલતો હતો એમ છતાં મને બોલતો અટકાવવાકમાં આવ્યો હતો.'
મુંબઈમાં 9 ફેબ્રુઆરીએ શનિવારે ભાષણ દરમિયાન અમોલ પાલેકરે કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયના એક નિર્ણય વિરુદ્ધ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ વખતે કાર્યક્રમના મૉડરેટરે તેમને ભાષણ કરતા અટકાવ્યા હતા. અમોલ પાલેકર ભાષણ કરી રહ્યા હતા ત્યારે મૉડરેટરે તેમને ઘણી વખત અટકાવ્યા હતા અને ભાષણ વહેલું આટોપી લેવાનું કહ્યું હતું.
બીજી તરફ નેશનલ ગૅલરી અૉફ મોડર્ન આર્ટે અમોલ પાલેકરના આક્ષેપોને રદિયો આપ્યો છે. મુંબઈ અને બેંગલોર સેન્ટરની એડવાઈઝરી પૅનલ બરખાસ્ત કરવામાં આવી નથી એવું ગૅલરીએ ખુલાસો કરતા કહ્યું હતું. આ બન્નેની મુદત પૂરી થઈ ગઈ છે અને પૅનલના પુનર્ગઠનની પ્રોસેસ ચાલુ છે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી
`એકાદ વક્તાને તમે ન બોલવાનું ન કહી શકો. સરકારી પ્રતિનિધિના આવા વર્તન બદલ મને માઠું લાગ્યું. એનજીએમએ સંસ્થા અને એમાં થયેલા ફેરફાર બદલ બોલવું ભૂલભર્યું કઈ રીતે કહેવાય? આ સંગ્રહાલયમાં પ્રભાકર બર્વેનું પ્રદર્શન કદાચ છેવટનું ઠરવાની શક્યતા છે, કારણ કે હવે નવા ડિરેક્ટર આવ્યા છે. તેમના ધોરણ મુજબ એ મકાનમાં ચાર માળા એનજીએમએના કલેક્શન માટે વાપરશે અને બચેલો એક માળો અન્ય પ્રદર્શન માટે આપવાનો નિર્ણય લેવાયો હોવાનું મને જાણવા મળ્યું છે અને એટલે મારા માટે અને મારા જેવા અન્ય કલાકારો માટે એ દુખદ બાબત છે. અગાઉ બે વિખ્યાત કલાકારોનાં પ્રદર્શન છેલ્લા સમયે રદ કરવામાં આવ્યાં એ બદલ હું બોલતો હતો. એમાં સરકારની ટીકા કરવાનો પ્રશ્ન નહોતો' એવું અમોલ પાલેકરે કહ્યું છે.
પોતાના ભાષણ દરમિયાન અમોલ પાલેકરે કઈ રીતે હાલના સમયગાળામાં આર્ટ ગૅલરીએ પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવ્યું એ સંદર્ભે વાત કરી હતી અને કહ્યું હતું કે `હું આર્ટ ગૅલરીના કામકાજ સંદર્ભે પણ ચિંતા વ્યક્ત કરતો હતો એવું મેં ભાષણમાં કહ્યું હતું. મેં નૅશનલ ગૅલરી અૉફ મૉડર્ન આર્ટની એક સલાહકાર સમિતિનો ઉલ્લેખ કર્યો હતો. એ સમિતિમાં સ્થાનિક કલાકારોનું પ્રતિનિધિત્વ રહેતું હતું, પરંતુ હવે એ સમિતિને છેક સાંસ્કૃતિક મંત્રાલયના નિયંત્રણ હેઠળ મૂકી દેવામાં આવી છે.'

Published on: Mon, 11 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer